સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટમાં ફરી નકલી ઘીનો પર્દાફાશ: SOG અને ફૂડ વિભાગનો દરોડો, 150 કિલો શંકાસ્પદ ઘી જપ્ત

રાજકોટમાં ફરી નકલી ઘીનો પર્દાફાશ: SOG અને ફૂડ વિભાગનો દરોડો, 150 કિલો શંકાસ્પદ ઘી જપ્ત

રાજકોટમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે SOG અને મનપાના ફૂડ વિભાગે કડક કાર્યવાહી કરી છે. કેવડાવાડી વિસ્તારમાં આવેલા વોલ્ગા ઘી ડેપો પર દરોડો પાડવામાં આવ્યો હતો.

દરોડા દરમિયાન સોયાબીન ઓઈલ, વનસ્પતિ ઘી અને મિલ્ક ફેટના મિશ્રણમાંથી નકલી ઘી તૈયાર થતું હોવાનું જાણવા મળ્યું છે. સ્થળ પરથી 150 કિલોથી વધુ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત, સ્થળ પરથી રૂ. 2.83 લાખથી વધુની કિંમતનો શંકાસ્પદ માલસામાન, વનસ્પતિ ઘીના ડબ્બા, બનાવટી બ્રાન્ડિંગ સ્ટીકરો અને પેકિંગ મશીન પણ જપ્ત કરવામાં આવ્યા છે.

દરોડા દરમિયાન હોમમેડ કાઉ ઘી, ગૌશાળાનું શુદ્ધ દેશી ગાયનું ઘી, કામધેનુ પ્રીમિયમ ઘી અને લુઝ ઘી મળીને કુલ સેમ્પલ જપ્ત કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે શંકાસ્પદ ઘીના ત્રણ અલગ-અલગ નમૂના લઈને તપાસ માટે લેબોરેટરી મોકલ્યા છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022 અને 2025માં પણ આ જ વોલ્ગા ઘી ડેપો પર આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા, જેમાં ઘીના નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થયા હતા. પ્રાથમિક તપાસમાં ડેપો સંચાલક પ્રતિ કિલો રૂ. 400 લઈને શંકાસ્પદ ઘીનું વેચાણ કરતો હોવાનું સામે આવ્યું છે.