સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટમાં 17 બોગસ ડૉક્ટર ઝડપાયા, 14 માત્ર ધોરણ 10-12 પાસ

રાજકોટમાં 17 બોગસ ડૉક્ટર ઝડપાયા, 14 માત્ર ધોરણ 10-12 પાસ

રાજકોટ ગ્રામ્ય પોલીસે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા 17 બોગસ ડૉક્ટરોને ઝડપી પાડ્યા છે. આ તમામ આરોપીઓ પાસે કોઈ તબીબી ડિગ્રી નહોતી, છતાં તેઓ ક્લિનિક ચલાવી દર્દીઓને એલોપેથિક દવાઓ અને ઇન્જેક્શનો આપતા હતા. પકડાયેલા 14 આરોપીઓ માત્ર ધોરણ 10 અને 12 પાસ છે, જ્યારે બાકીના ત્રણ સામાન્ય ગ્રેજ્યુએટ છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ તમામ આરોપીઓ ભૂતકાળમાં મૂળ ડૉક્ટરોના સહાયક (કમ્પાઉન્ડર) તરીકે અથવા મેડિકલ સ્ટોરમાં કામ કરી ચૂક્યા હતા. ત્યાં મળેલા અનુભવના આધારે તેઓએ પોતે જ ક્લિનિક ખોલીને ચિકિત્સક તરીકે પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી. આ નકલી ડૉક્ટરો સામાન્ય તાવ, શરદી, ઉધરસ જેવી બીમારીઓ માટે હોમિયોપેથિક તથા એલોપેથિક દવાનો ઉપયોગ કરતા હતા અને દર્દીઓને એલોપેથિક સારવાર તથા ઇન્જેક્શનો પણ આપતા હતા.

ઝડપાયેલા કેટલાક આરોપીઓ છેલ્લા બે-ત્રણ મહિનાથી જ આ ધંધામાં આવ્યા હતા, જ્યારે કેટલાક છેલ્લા 10 વર્ષથી પણ વધુ સમયથી તબીબી લાયકાત વિના દર્દીઓને સારવાર આપી રહ્યા હતા. રાજકોટ ગ્રામ્ય પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન ભાડાં ફૂટવાની બીકે કેટલાક બોગસ ડૉક્ટરોએ પોતાના દવાખાના બંધ કરીને સ્થળ છોડી ભાગી જવાની ઘટનાઓ પણ બહાર આવી છે.

પોલીસે જણાવ્યું છે કે આગામી દિવસોમાં પણ સમગ્ર જિલ્લામાંથી બોગસ ડૉક્ટરોને શોધી કાઢવા અને તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવા માટે વિશેષ ડ્રાઇવ ચાલુ રાખવામાં આવશે. હાલ પકડાયેલા તમામ 17 આરોપીઓ સામે કાયદાકીય ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.