સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટમાં કોલ સેન્ટર કૌભાંડ: ખેડૂતોની જમીન પડાવવાનો આંકડો 700 કરોડ સુધી પહોંચી શકે

રાજકોટમાં કોલ સેન્ટર કૌભાંડ: ખેડૂતોની જમીન પડાવવાનો આંકડો 700 કરોડ સુધી પહોંચી શકે

રાજકોટમાં ખેડૂતોને સસ્તી લોન આપવાની લાલચ આપીને તેમની જમીન પડાવવાના બોગસ કોલ સેન્ટરના કૌભાંડનો આંકડો 700 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. પોલીસને હાલમાં 32 ખેડૂતોની જમીનના દસ્તાવેજો મળી આવ્યા છે.

આ કેસમાં મુખ્ય સૂત્રધાર અલ્પેશ દોંગા સામે પોલીસે કાર્યવાહી તેજ કરી છે. આરોપીઓએ બોગસ કોલ સેન્ટર ખોલીને ખેડૂતોને વિશ્વાસમાં લીધા બાદ તેમની જમીન લખાવી લેવામાં આવતી હતી. બાદમાં આ જમીન વેચી નાખવામાં આવતી હતી. અત્યાર સુધીમાં 45 કરોડ રૂપિયાની જમીન પચાવી પાડવાની ઘટના સામે આવી છે. આ કૌભાંડમાં અલ્પેશ દોંગા અને અક્ષિત અકબરી સહિતની ગેંગ સંડોવાયેલી હોવાનું પોલીસ તપાસમાં ધ્યાનમાં આવ્યું છે.

આ કૌભાંડમાં 14 મહિલાઓ અલગ-અલગ ટ્રસ્ટમાં ખેડૂતોને જોડવાનું કામ કરતી હતી. પોલીસને હજારો નંબરનો ડેટા પણ મળી આવ્યો છે. વધુ ભોગ બનનારા ખેડૂતોએ ગ્રામ્ય એસપીને રજૂઆત કરી છે. તેમની રજૂઆત બાદ વધુ ચાર ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે. જેમાં ત્રણ ફરિયાદ કાલાવડ પોલીસ મથકમાં અને એક ફરિયાદ ગોંડલ પોલીસ મથકમાં નોંધવાની તૈયારી છે.

રાજકોટ શહેરમાં પણ અનેક લોકો ભોગ બન્યાની શક્યતા છે. આ આખું કૌભાંડ સૌરાષ્ટ્રમાં ફેલાયેલું હોય તેવું લાગી રહ્યું છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે સસ્તી લોન આપવાના બહાને કોઈ ભોગ બન્યું હોય તો સામે આવે. પોલીસની ઢીલી નીતિના કારણે અલ્પેશ પહેલા બચી ગયો હોવાનું પણ સામે આવી રહ્યું છે. હાલમાં પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.