રાજકોટના ભવ્ય લોકમેળાએ સાતમ-આઠમની રજાઓમાં શહેરીજનો અને આસપાસના ગ્રામજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. બાળકો, યુવાનો અને વડીલો સહિત મોટી સંખ્યામાં લોકો મેળામાં પહોંચી રહ્યા છે.
આ વખતે મેળામાં 34 જેટલી વિવિધ રાઈડ્સ મૂકવામાં આવી છે. ચકડોળ, ડ્રોન અને રિમોટ કાર જેવી રાઈડ્સ બાળકોને ખાસ આકર્ષી રહી છે. બાળકો સાથે માતા-પિતા પણ રાઈડ્સની મજા માણી રહ્યા છે.
મેળામાં ખાણીપીણીના સ્ટોલ્સ પર પણ ભીડ જોવા મળી રહી છે. રમકડાંના સ્ટોલ્સ પર બાળકોનું મન મોહી રહ્યું છે. ડ્રોન અને રિમોટવાળી કાર્સ આ વખતે ખાસ આકર્ષણ બની છે.
મેળામાં પરંપરાગત પોષાકમાં ફરતા લોકો પણ જોવા મળે છે. નાત-જાત, અમીર-ગરીબના ભેદ વગર સૌ કોઈ મેળાની મોજ માણી શકે છે. પાંચ દિવસ સુધી ચાલતો આ મેળો જીવનની મુશ્કેલીઓ ભૂલાવી દે છે અને લોકોને આનંદમાં ડૂબાડી દે છે.
જન્માષ્ટમી અને સાતમ-આઠમના પર્વની રજાઓમાં રાજકોટનો લોકમેળો મોજ, મસ્તી અને રોમાંચનું કેન્દ્ર બન્યો છે. મેળાના આકાશી દૃશ્યોમાં તે જાણે ઝગમગતું શહેર લાગી રહ્યું છે.