સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટ દુષ્કાળગ્રસ્ત જાહેર ન થતાં જેતપુરના ખેડૂતોનો પોસ્ટકાર્ડથી વિરોધ

રાજકોટ દુષ્કાળગ્રસ્ત જાહેર ન થતાં જેતપુરના ખેડૂતોનો પોસ્ટકાર્ડથી વિરોધ

રાજ્ય સરકારે ઓછા વરસાદને ધ્યાનમાં રાખીને કચ્છ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે. આ યાદીમાં રાજકોટ જિલ્લાને સ્થાન ન મળતાં જિલ્લાના ખેડૂતોમાં નારાજગી ફેલાઈ છે.

રાજકોટ જિલ્લાને પણ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે જેતપુર પંથકના ખેડૂતો મેદાને આવ્યા છે. ખેડૂતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાંસદને પોસ્ટકાર્ડ લખીને તેમની પરિસ્થિતિ સરકાર સુધી પહોંચાડી રહ્યા છે.

વરસાદના અભાવે ખેતરોમાં ઊભા પાક સુકાઈ ગયા છે. ચોમાસુ પાક નિષ્ફળ જતાં બિયારણ, ખાતર, દવા અને મજૂરી પાછળ કરેલો ખર્ચ પણ નીકળ્યો નથી. આથી ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે.

રાજ્ય સરકારે દુષ્કાળગ્રસ્ત જાહેર કરેલા ચાર જિલ્લાઓના ખેડૂતોને પ્રતિ હેક્ટર 8,500 રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. જોકે રાજકોટ જિલ્લાને આ યાદીમાં સામેલ ન કરવામાં આવતાં ખેડૂતોમાં રોષ છે.

ખેડૂતોની માંગ છે કે સરકાર માત્ર ચાર જિલ્લા પૂરતી મર્યાદિત ન રહે, પણ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અન્ય અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિની પણ ગંભીરતાથી સમીક્ષા કરે અને તેમને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે. આ સાથે ખેડૂતો નુકસાનને ધ્યાનમાં રાખીને પૂરતી આર્થિક સહાય અને મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ ખેડૂતોનું દેવું માફ કરવાની માંગ કરી રહ્યા છે.

હવે જોવાનું એ રહે છે કે ખેડૂતોની આ રજૂઆત બાદ રાજ્ય સરકાર રાજકોટ જિલ્લાની સ્થિતિ અંગે ફેરવિચારણા કરીને ખેડૂતોને રાહત આપે છે કે નહીં.