સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટ ડબલ મર્ડર કેસ 12 વર્ષ પછી ઉકેલાયો, પતિએ પત્ની અને કાકી સાસુની કરી હતી હત્યા

રાજકોટ ડબલ મર્ડર કેસ 12 વર્ષ પછી ઉકેલાયો, પતિએ પત્ની અને કાકી સાસુની કરી હતી હત્યા

રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં આવેલ નાડોદાનગર શેરી નંબર-4માં 22 મે 2012ના રોજ બે મહિલાઓની લોહીલુહાણ લાશ મળી આવી હતી. આ ચર્ચાસ્પદ ડબલ મર્ડર કેસનો ભેદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 12 વર્ષ પછી ઉકેલ્યો છે. આરોપીએ પોતાની પત્ની અને કાકી સાસુની હત્યા કરી હતી.

ઘટનાના દિવસે ભક્તિનગર પોલીસને ફોન આવ્યો હતો કે નાડોદાનગર શેરી નંબર-4માં એક ઓરડીમાં બે મહિલાઓની હત્યા કરવામાં આવી છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ઓરડીમાં 27 વર્ષીય મધુ ઉર્ફે મુન્ની અને તેની 45 વર્ષીય કાકી રંજનની લાશ પડી હતી. ઓરડીની બહાર મકાન માલિક દૂધીબેન ચાવડા ઉભા હતા.

પોલીસ પૂછપરછમાં દૂધીબેને જણાવ્યું કે મૃતક મુન્ની, તેનો પતિ પ્રવીણ અને બે બાળકો 800 રૂપિયાના ભાડે આ ઓરડીમાં રહેતા હતા. પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડો થતો હતો. દૂધીબેને ઝઘડાના કારણે ઓરડી ખાલી કરવાનું કહ્યું હતું, પરંતુ પછી ખાતરી આપીને રહેવા દીધા હતા.

22 મેના રોજ ફરી ઝઘડો થતાં દૂધીબેને કડક ચેતવણી આપી. વીસેક મિનિટ પછી પડોશી ભાડૂતે આવીને જણાવ્યું કે પ્રવીણ અને તેનો ભાઈ દીપક તીક્ષ્ણ હથિયારથી મુન્ની અને રંજન પર હુમલો કરી રહ્યા છે. દૂધીબેન દોડીને ગયા ત્યારે પ્રવીણ અને દીપક ભાગી ગયા હતા અને બંને મહિલાઓ લોહીલુહાણ હાલતમાં પડી હતી. 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી, પરંતુ બંનેને મૃત જાહેર કરાઈ.

પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડીને તપાસ શરૂ કરી. પ્રવીણ અને દીપક સામે હત્યાનો ગુનો નોંધાયો. સહઆરોપી દીપક નિર્દોષ છૂટી ગયો, જ્યારે મુખ્ય આરોપી પ્રવીણ 12 વર્ષ સુધી ફરાર રહ્યો. ક્રાઇમ બ્રાન્ચે જૂની ફાઇલો ખોલીને તપાસ શરૂ કરી અને 2 મહિના સુધી 1150 કિલોમીટર દૂર જઈને વેશપલટો કરીને રેકી કર્યા બાદ આરોપીને ઝડપી લીધો. પૂછપરછમાં આડા સંબંધોની બાબત બહાર આવી, જે હત્યાનું કારણ હોવાનું મનાય છે.