રાજકોટમાં સાયબર ઠગાઈનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જાગનાથ પ્લોટ વિસ્તારમાં રહેતા એક નિવૃત્ત મહિલા ગાયનેકોલોજિસ્ટને સાયબર ઠગોએ ચાર દિવસ સુધી ડિજિટલ અરેસ્ટમાં રાખીને રૂ. 58.50 લાખ પડાવી લીધા હોવાની માહિતી સામે આવી છે. ઇન્કમટેક્સ અને કથિત ફ્રોડની રકમના નામે મહિલાને ધમકાવવામાં આવી હતી.
સૂત્રો અનુસાર, ઠગોએ પોતાને બહારના રાજ્યની પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખાવીને મહિલા તબીબને ડરાવ્યા હતા. તપાસના નામે વીડિયો કોલ મારફતે તેમને સતત નજર હેઠળ રાખવામાં આવ્યા અને તેમના બેંક ખાતામાંથી મોટી રકમ ટ્રાન્સફર કરાવવામાં આવી. ચાર દિવસ દરમિયાન મહિલાએ આશરે રૂ. 58.50 લાખ ઠગોના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા.
આ દરમિયાન ઠગોએ વધુ રકમની માંગણી કરી હતી. જોકે, તે પહેલાં જ રાજકોટ સાયબર ક્રાઇમની ટીમને સમગ્ર મામલાની જાણ થઈ ગઈ હતી. સાયબર ક્રાઇમની ટીમ તાત્કાલિક મહિલાના નિવાસસ્થાને પહોંચી હતી અને તેમને ઠગોના ચુંગાલમાંથી બહાર કાઢ્યા હતા. તે સમયે મહિલા ખૂબ જ ડરી ગયેલી હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે. ટીમે તેમનું કાઉન્સેલિંગ કરીને તેમને ભયમાંથી બહાર લાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ સમગ્ર મામલે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે નાગરિકોને અજાણ્યા વીડિયો કોલ, પોલીસ અધિકારી તરીકેની ધમકી અને ડિજિટલ અરેસ્ટના નામે થતી છેતરપિંડીથી સાવચેત રહેવાની અપીલ કરી છે.