રાજકોટ જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. જેતપુર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો છે. જેતપુરના સ્ટેન્ડ ચોક, તીનબત્તી ચોક, વડલી ચોક અને ફુલવાડી વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત નવાગઢ, પેઢલા, ગુંદાળા, મંડલીકપુર, જેતલસર, સાંકળી અને પીઠડીયા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે.
આ વરસાદથી ખેડૂતોને મગફળી, એરંડા, સોયાબીન, કપાસ અને તુવેર જેવા પાકોને જીવતદાન મળવાની આશા બંધાઈ છે.
જામકંડોરણા પંથકમાં પણ લાંબી રાહ બાદ મેઘરાજાએ મુલાકાત લીધી છે. જામકંડોરણા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. આ વરસાદ મગફળી, કપાસ અને મરચા જેવા પાકો માટે આશીર્વાદ સમાન ગણાય છે.
ગોંડલ શહેર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે. ગુદાળા, જામવાડી અને ચોરડી જેવા પંથકોમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા.
ધોરાજી પંથકમાં પણ લાંબા વિરામ બાદ વરસાદ શરૂ થયો છે. ધોરાજીના સ્ટેશન રોડ, જમનાવડ રોડ, ગેલેક્સી ચોક, સરદાર ચોક અને અવેડા ચોક વિસ્તારોમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે. નાની પરબડી, જમનાવડ, વેગડી, તોરણીયા અને ફરેણી જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશી છવાઈ છે.
ઉપલેટામાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ઉપલેટાના જીરાપા પ્લોટ વિસ્તાર, દ્વારકાધીશ સોસાયટી, રેલવે સ્ટેશન રોડ, કટલેરી બજાર અને શાક માર્કેટ વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા છે. આ વરસાદથી ખેડૂતો દ્વારા વાવેતર કરાયેલ મગફળી, એરંડા, સોયાબીન, કપાસ અને તુવેર જેવા પાકોને જીવતદાન મળવાની આશા છે.