સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: KCC હેઠળ ₹5,000 કરોડનું ધિરાણ, લોન મર્યાદામાં પણ વધારો

રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: KCC હેઠળ ₹5,000 કરોડનું ધિરાણ, લોન મર્યાદામાં પણ વધારો

રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકે ખેડૂતો માટે મહત્વના નિર્ણયો લીધા છે. બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ ખેતીમાં પડતી આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા અને ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત કરવા નવી ધિરાણ નીતિઓ જાહેર કરી છે.

વર્ષ 2026-27ના ખરીફ પાક માટે બેંકે કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) હેઠળ કુલ ₹5,000 કરોડનું ધિરાણ કર્યું છે. આ ધિરાણ પર સહકારી મંડળીઓને 1.50% વ્યાજ માર્જિન આપવાની જાહેરાત કરવામાં આવી છે. આનાથી જિલ્લાની મંડળીઓને ₹75 કરોડનો સીધો આર્થિક લાભ થશે.

ખેતીના વિકાસ માટે ટર્મ લોનની મર્યાદામાં પણ વધારો કરાયો છે. કૃષિ તત્કાલ લોનની મર્યાદા એકર દીઠ ₹80,000 લેખે ₹7 લાખથી વધારીને ₹10 લાખ કરવામાં આવી છે. તે જ રીતે કૃષિ વિકાસ લોનની મર્યાદા એકર દીઠ ₹60,000 લેખે ₹4 લાખથી વધારીને ₹6 લાખ કરાઈ છે.

બેંક સાથે જોડાયેલી ખેતીવિષયક મંડળીઓ માટે રાસાયણિક ખાતર, બાયો ફર્ટિલાઈઝર, જંતુનાશક દવાઓ, બિયારણ અને અન્ય ખેતીવિષયક વ્યવસાયો માટે કાર્યકારી મૂડી પૂરી પાડવા નવી યોજના અમલમાં મૂકાઈ છે. આ 'પેક્સ - કેશ ક્રેડિટ લોન' યોજના હેઠળ 9.50% વ્યાજ દરે ₹25 લાખ સુધીની લોન મળશે. આ લોન પર રાજ્ય સરકાર 5% વ્યાજ સહાય પણ આપશે.

કેન્દ્ર સરકારની 'સહકાર સે સમૃદ્ધિ' યોજનાને આગળ વધારવા માટે, જે ખેતીવિષયક મંડળીઓ લોન લે છે અને મોડેલ પેટાનિયમોમાં સુધારા, કોમન સર્વિસ સેન્ટર, કિસાન સમૃદ્ધિ કેન્દ્ર, નવા સોફ્ટવેરમાં ડેટા એન્ટ્રી તથા ખેડૂતોના બેંક ખાતા ખોલાવવાની કામગીરી કરે છે, તેવી દરેક મંડળીના મંત્રીને પ્રોત્સાહન રૂપે ₹10,000 આપવાની જાહેરાત કરાઈ છે.

વધુ ખેડૂતો સહકારી પરિવાર સાથે જોડાય તે માટે વિશેષ અભિયાન પણ હાથ ધરાયું છે. વર્ષ 2027-28માં સેવા મંડળીઓ દ્વારા નવા ખેડૂતોને KCC હેઠળ આવરી લેવાના પ્રમાણના આધારે મંડળીના સ્ટાફને પ્રોત્સાહિત કરવા અંદાજે ₹25 લાખનું ઇન્સેન્ટિવ ફાળવવાની જાહેરાત પણ કરવામાં આવી છે.