સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટના ડેન્ટિસ્ટે પિતાના સપનાને સાકાર કરવા માટે 38 વીઘામાં ઓર્ગેનિક ખેતી શરૂ કરી

રાજકોટના ડેન્ટિસ્ટે પિતાના સપનાને સાકાર કરવા માટે 38 વીઘામાં ઓર્ગેનિક ખેતી શરૂ કરી

રાજકોટના પ્રખ્યાત ડેન્ટિસ્ટ ડૉ. દેવેન્દ્ર કાલરિયાની એસીથી દેશી સુધીની સફર પ્રેરણાદાયક છે. તેઓ છેલ્લા 26 વર્ષથી ડેન્ટિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરે છે, પરંતુ તેમનો ખેતી અને માટી સાથેનો સંબંધ આજે પણ અતૂટ છે. મોરબીના ચુપણી ગામે જન્મેલા ડૉ. કાલરિયાએ સાતેક વર્ષ પહેલાં ચુપણી ગામે DNK ઓર્ગેનિક ફાર્મ વિકસાવ્યું છે.

ડૉ. કાલરિયા સોમવારથી ગુરુવાર સુધી શહેરમાં એસી ક્લિનિકમાં દર્દીઓના દાંતની સારવાર કરે છે, અને શુક્રવાર, શનિવાર તથા રવિવારે ગામડે પોતાના ફાર્મ પર જઈને ખેતી કરે છે. 42 વર્ષની ઉંમરે તેમણે ખેતી શરૂ કરી હતી. તેઓ કહે છે, 'હું બાય ડિફોલ્ટ ડેન્ટિસ્ટ બન્યો છું, બાકી તો કુદરતનો અને ખેડૂતનો પુત્ર છું.'

તેમને ગાય આધારિત ખેતીની પ્રેરણા મનસુખભાઈ સુવાગિયા પાસેથી મળી, જે તેમના પેશન્ટ તરીકે આવ્યા હતા. મનસુખભાઈએ તેમને એક પુસ્તક વાંચવા આપ્યું, અને તેના પછી ડૉ. કાલરિયાએ ગાય આધારિત ખેતી કરવાનો નિર્ણય લીધો. 2017માં તેમણે પહેલાં ગૌશાળાનો પાયો નાખ્યો અને એવી ગાયોને ફાર્મમાં રાખી જે દૂધ આપતી નહોતી, પરંતુ ગોબર અને ગૌમૂત્ર આપતી હતી. આજે તેમની પાસે નાની-મોટી ગણીને 30 ગાયો છે, જેમાં 5 ગીર અને 25 દેશી ગાયોનો સમાવેશ થાય છે.

ડૉ. કાલરિયા 38 વીઘામાં ઓર્ગેનિક ખેતી કરે છે. 2018થી દર વર્ષે તેઓ 1,000 વૃક્ષો વાવે છે, જેના કારણે ગ્રીન ઝોન ઊભો થયો છે. તેમણે 'DNK ઓર્ગેનિક ફાર્મ' નામનું નાનકડું રિસોર્ટ પણ વિકસાવ્યું છે, જેથી લોકો પ્રકૃતિ સાથે જોડાઈ શકે. તેમના મતે, સ્વાસ્થ્ય માત્ર દવાઓથી જ નહીં, પરંતુ શુદ્ધ હવા, પાણી અને સ્વચ્છ ખોરાકથી પણ જળવાઈ રહે છે. તેથી તેઓ પ્રાકૃતિક અને ઝેરમુક્ત ખેતી અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા માંગે છે.