રાજકોટ શહેરના ભક્તિનગર સર્કલ પાસે આવેલા કોલેજિયન પાનના ગલ્લા નજીક બુધવારે (24 સપ્ટેમ્બર) બપોરે 27 વર્ષીય યુવક વિમલ ધર્મેશભાઈ વાણિયાની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. આ ઘટના ધોળા દિવસે બની હતી, જેણે આસપાસના વિસ્તારમાં ચકચાર મચાવી લીધી છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક વિમલ સહકાર રોડ પર રહેતો હતો. સાત વર્ષ પહેલાં તેમણે શીતલ નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જોકે, શીતલના પરિવારજનો આ લગ્નથી નારાજ હતા અને તેમણે શીતલ સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. આ જ બાબતને લઈને દાંપત્ય જીવન પર પડછાયો પડ્યો હોવાનું પોલીસ માની રહી છે.
ઘટનાની વિગતો મુજબ, વિમલ બપોરે ભક્તિનગર સર્કલ પાસેના પાનના ગલ્લા નજીક હાજર હતો. તે સમયે તેનો સાળો કમલેશ ત્યાં આવ્યો અને બંને વચ્ચે બોલાચાલી થઈ. વાત વધુ વણસતાં કમલેશે છરી કાઢી વિમલની છાતી અને શરીરના અન્ય ભાગોમાં છથી સાત ઘા ઝીંક્યા હતા. ગંભીર ઈજાઓ સાથે લોહીલુહાણ હાલતમાં વિમલને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો.
ઘટનાની જાણ થતાં ભક્તિનગર પોલીસ સ્ટાફ, ક્રાઈમ બ્રાન્ચ અને એલસીબી ઝોન-1ની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. મૃતકની પત્ની શીતલની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપી કમલેશની ધરપકડ કરવામાં આવી છે.
મૃતકની પત્ની શીતલે ગભરાટ અને આંસુ સાથે જણાવ્યું કે, "મારા ભાઈએ આરસી બુક લેવાના બહાને મારા પતિને બોલાવ્યો અને પછી તેમની હત્યા કરી નાખી. અમે મા-દીકરો નોધારા થઈ ગયા છીએ. મારા ભાઈને ફાંસીની સજા જ અપાવજો." તેમણે વધુમાં જણાવ્યું કે તેમને એક નાનું બાળક પણ છે.
પોલીસ હાલ આ ઘટનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સાત વર્ષ પહેલાં થયેલા પ્રેમલગ્નને કારણે બંને પરિવારો વચ્ચે તણાવ હતો.