સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટ: ત્રણ ડેરીનું પનીર ખાવાલાયક નહીં, મનપાની તપાસમાં નમૂના ફેલ

રાજકોટ: ત્રણ ડેરીનું પનીર ખાવાલાયક નહીં, મનપાની તપાસમાં નમૂના ફેલ

રાજકોટમાં દશેરાના તહેવાર પહેલાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરમાં મીઠાઈ અને ફરસાણ વેચતા વેપારીઓને ત્યાં તપાસ શરૂ કરી છે. તહેવારોમાં મીઠાઈ અને ફરસાણની માંગ વધતી હોય છે, તેથી લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન મીઠાઈ અને ફરસાણના કુલ 49 નમૂના લેવામાં આવ્યા છે.

આ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજકોટની ત્રણ ડેરી — શ્રી અમૃત ડેરી ફાર્મ, જય ધારેશ્વર ડેરી અને કનૈયા ડેરી —માં વેચાતા પનીરના નમૂના ખાવાલાયક ન હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત પનીર, ઘી અને આઇસ્ક્રીમના કેટલાક નમૂના પણ તપાસમાં ફેલ થયા છે. તપાસમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું અને વેજિટેબલ ઓઇલનું પ્રમાણ વધારે હોવાનું જાણવા મળ્યું છે.

મનપાના આરોગ્ય વિભાગે જાની લોચો એન્ડ ખમણ હાઉસમાં પણ તપાસ કરી હતી. ત્યાંથી સમોસા અને ફૂગવાળી ડુંગળી સહિત કુલ 17 કિલો ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો છે.

અંબાજી ટાઉનશીપ-4ની ન્યુ શ્રીજી ડેરી, બજરંગ ફરસાણ, જીવરાજ પાર્કનું શ્રી મહાજન ફરસાણ એન્ડ નમકીન, અંબિકા ટાઉનશીપની શ્રી રાધેકૃષ્ણા ડેરી, પુનિતનગરની ઘનશ્યામ ડેરી, સોમનાથ ફરસાણ, લક્ષ્મીવાડી-14નું શ્રી શક્તિરાજ નમકીન, સરદારનગર-12નું કૈલાસ ફરસાણ, સદરનું પંચનાથ નમકીન, કોટેચાનગરનું બજરંગ ફરસાણ તથા ગાયત્રીનગરના જલિયાણ ફરસાણમાંથી પણ વિવિધ ખાદ્ય વસ્તુઓના નમૂના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ નમૂનામાં ગાંઠિયા, જલેબી, સાટા, પાપડી, બુંદી, તીખી પાપડી, માખણીયા ગાંઠિયા, માર્શલ બરફી, મોહનથાળ, ટોપરા પાક, મેસુબ, ફરાળી બાઇટ, કેસર પેંડા, કાજુ કતરી, મીઠા સાટા, રતલામી સેવ, માંડવી પાક, ઘારી, પિસ્તા લાડુ અને રાજગરાના ચેવડાનો સમાવેશ થાય છે.

શહેરના ગોંડલ રોડ, અટીકા ફાટક, ખોડિયારનગર, આંબેડકરનગર, માલવિયા કોલેજ રોડ, મવડી સિમેન્ટ રોડ, મોટા મવા, સોરઠીયાવાડી, કોઠારિયા રોડ અને નાના મવા સર્કલ વિસ્તારમાં પણ સઘન ચેકિંગ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જ્યોતિનગર મેઈન રોડ પર આવેલા નેશનલ ચાઈનીઝ એન્ડ પંજાબીને નોટિસ ફટકારવામાં આવી છે.

નોંધનીય છે કે નવરાત્રી દરમિયાન શહેરમાં યોજાતા રાસોત્સવો અને ગરબા મહોત્સવોમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા જળવાઈ રહે તે માટે આરોગ્ય વિભાગે અગાઉથી જ કેન્ટીનો અને ફૂડ સ્ટોલનું ચેકિંગ શરૂ કર્યું છે.