રાજકોટના મવડી વિસ્તારમાં 80 ફૂટ રોડ પર મંગળવારે બપોરે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. 20 ટનની ક્રેનનું વ્હીલ સ્કૂટર પર ફરી વળતાં 39 વર્ષીય આમદ શેખનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી ક્રેન ચાલક ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. આ અકસ્માતની ઘટના CCTVમાં કેદ થઈ છે.
શહેરના વાવડી રોડ પર આવેલ મહમદી બાગ શેરી નંબર-6માં રહેતા 39 વર્ષીય આમદભાઈ સુમારભાઈ શેખ મંગળવારે બપોરના 12 વાગ્યા આસપાસ પોતાનું અરબનીયા સ્કૂટર લઈને જઈ રહ્યા હતા. તે સમયે મવડી 80 ફૂટ રોડ પર પાછળથી આવતી ક્રેને અચાનક તેમને અડફેટે લીધા હતા. ક્રેનનું વ્હીલ આમદભાઈના માથા પર ફરી વળતાં તેમનું માથું છૂંદાઈ ગયું હતું અને ગંભીર ઈજાના કારણે લોહીલુહાણ હાલતમાં તેમનું મોત નીપજ્યું હતું. લોકોના ટોળા એકઠા થાય એ પહેલાં જ ક્રેન ચાલક ક્રેન મૂકીને નાસી છૂટ્યો હતો.
આ બનાવની જાણ 108ને કરવામાં આવતાં 108ના ઈએમટીએ આમદભાઈને તપાસી સ્થળ પર જ મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે તાલુકા પોલીસને જાણ કરતાં તાલુકા પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આમદભાઈ ડ્રિલિંગ મશીન રિપેરિંગનું કામ કરતા હતા અને તેમને સંતાનમાં ચાર દીકરીઓ છે. ચાર દીકરીઓએ પિતાનો સહારો ગુમાવતાં પરિવારમાં કલ્પાંત છવાઈ ગયો છે. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી ક્રેન ચાલકને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.