સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટ મનપામાં માનદ વેતન વધારાની માંગથી વિવાદ, 48 કોર્પોરેટરોએ 15 હજારથી 50 હજાર કરવાની રજૂઆત કરી

રાજકોટ મનપામાં માનદ વેતન વધારાની માંગથી વિવાદ, 48 કોર્પોરેટરોએ 15 હજારથી 50 હજાર કરવાની રજૂઆત કરી

રાજકોટ મહાનગરપાલિકા (RMC)માં કોર્પોરેટરોના માનદ વેતનમાં મોટા વધારાની માંગને લઈને વિવાદ સર્જાયો છે. મનપાના 72માંથી 48 કોર્પોરેટરોએ લેખિતમાં રજૂઆત કરીને મહિને મળતું ₹15,000નું માનદ વેતન વધારીને ₹50,000 કરવાની માંગ કરી છે. આ 333.33 ટકાનો વધારો થાય છે. રજૂઆત કરનારાઓમાં 35 મહિલા કોર્પોરેટરો પણ સામેલ છે. કુલ 55.55 ટકા કોર્પોરેટરોએ મેયર ડૉ. નેહલ શુકલને પત્ર પાઠવીને આ માંગ કરી છે.

જો આ માનદ વેતન વધારવામાં આવે તો RMCની તિજોરી પર મહિને ₹25.90 લાખ અને વર્ષે ₹3.10 કરોડથી વધુનો વધારાનો બોજો પડશે.

રાજકોટના મેયર ડૉ. નેહલ શુકલે ટેલિફોનિક વાતચીતમાં પત્ર મળ્યાની પુષ્ટિ કરીને જણાવ્યું કે, 1-4-2018થી શહેરી વિકાસ મંત્રાલય દ્વારા નક્કી કરેલું માનદ વેતન જ ચૂકવવામાં આવે છે. રાજકોટ, વડોદરા, સુરત અને અમદાવાદમાં એક સરખું માનદ વેતન ચૂકવાય છે. આ અંગે જિલ્લા પ્રભારી અનિરૂદ્ધ દવે અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના માર્ગદર્શન બાદ સરકારમાં રજૂઆત કરાશે. માનદ વેતન વધારવા અંગેનો આખરી નિર્ણય શહેરી વિકાસ મંત્રાલય લઈ શકે છે.

બીજી તરફ, રાજકોટના ડેપ્યુટી મેયરના મીડિયા સમક્ષના દાવાઓ સામે સવાલો ઊભા થયા છે. ડેપ્યુટી મેયરે દાવો કર્યો હતો કે વડોદરા, અમદાવાદ અને સુરતમાં કોર્પોરેટરોને ₹35,000થી વધુ પગાર મળે છે, તેથી અમે પણ વધારો માંગ્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે બે-ત્રણ દિવસે મિટિંગો હોવાથી આવન-જાવનનો ખર્ચ વધી જાય છે. જોકે, સરકારી પરિપત્રમાં સ્પષ્ટ જોગવાઈ છે કે વર્ષ 2018થી દરેક કોર્પોરેટરને દરેક મિટિંગ દીઠ અલગથી ₹500 ચૂકવવામાં આવે છે. ડેપ્યુટી મેયરે એમ પણ કહ્યું હતું કે મહિલા કોર્પોરેટરો ભેગા થયા ત્યારે આ અંગે માત્ર સામાન્ય વાત થઈ હતી.

આ માંગ પર કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલાએ પ્રહાર કર્યા છે. તેમણે આ માંગનો સખત વિરોધ કરતાં જણાવ્યું કે, ભાજપના કોર્પોરેટરો સોનાની ચમચી લઈને જન્મ્યા છે. ચૂંટણીમાં ફોર્મ ભરવા આવ્યા ત્યારે કરોડોની કાર લઈને આવ્યા હતા અને જીતવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. કરોડોની કાર લઈને ફરતા કોર્પોરેટરોને માનદ વેતનની જરૂર નથી, તેમ છતાં 333.33 ટકાનો વધારો માંગવો એ તદ્દન અયોગ્ય છે. ભાજપના કોર્પોરેટરોની નજર હવે મનપાની તિજોરી પર છે, તેઓ સરકારી તિજોરી પર પાવડા ન મારે. રાજકોટ મનપા એ 'દલા તરવાડીની વાડી' નથી.

રાજકોટના આ વિવાદ વચ્ચે અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ના નવરંગપુરા વોર્ડના ભાજપ કોર્પોરેટર હેમંત કાબરાની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે જણાવ્યું હતું કે, કોર્પોરેટર માટે પ્રથમ લક્ષ્ય 'સેવા' હોવું જોઈએ, માનદ વેતન અને પૈસા એ ગૌણ વિષય છે. હું છેલ્લા 18 વર્ષથી પાર્ટી સાથે સંકળાયેલો છું અને વોર્ડના સંગઠનમાં કામ કરતા હતા ત્યારે એક પણ રૂપિયો લીધા વગર સેવા કરતા હતા. માનદ વેતન અંગે પાર્ટી જે નિર્ણય કરશે તે અમને શિરોમાન્ય રહેશે.