સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટ સિવિલમાં વૃદ્ધાને સ્ટ્રેચર ખેંચતી વીડિયો બાદ આરોગ્ય વિભાગે તપાસ કમિટી રચી, ખુલાસો માંગ્યો

રાજકોટ સિવિલમાં વૃદ્ધાને સ્ટ્રેચર ખેંચતી વીડિયો બાદ આરોગ્ય વિભાગે તપાસ કમિટી રચી, ખુલાસો માંગ્યો

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક બીમાર વૃદ્ધ પતિને સ્ટ્રેચર પર બેસાડીને તેમની અશક્ત પત્ની જાતે સ્ટ્રેચર ખેંચવા મજબૂર બન્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ રાજ્યભરમાં ભારે રોષ ફેલાયો હતો. આ ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્ય આરોગ્ય વિભાગે હોસ્પિટલ તંત્ર પાસે તાત્કાલિક સત્તાવાર ખુલાસો માંગ્યો છે.

હોસ્પિટલ તંત્ર દ્વારા સ્થાનિક સ્તરે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીએ દર્દી સહાયક સેવાઓ પૂરી પાડતી આઉટસોર્સિંગ એજન્સી તેમજ ઘટના સમયે ગેરહાજર રહેલા કે હાજર રહેલા સંબંધિત કર્મચારીઓને કારણદર્શક નોટિસ પાઠવી છે.

સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ અને હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓએ આ ઘટનાને દુઃખદ ગણાવી હતી. તેમણે જણાવ્યું કે, “તે સમયે સંબંધિત અટેન્ડન્ટ હાજર ન હોય તેવું બની શકે છે. નર્સિંગ સહિત તમામ સ્ટાફ હોવા છતાં આવી સ્થિતિ કેમ સર્જાઈ તેની તપાસ ચાલી રહી છે. કર્મચારીની ક્ષતિ સામે આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે અને વર્ગ-૪ના કર્મચારીઓને સતત તૈનાત રહેવા સૂચના આપવામાં આવી છે. ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) તૈયાર કરવામાં આવશે.”

જોકે, વીડિયોમાં ઘોર બેદરકારી સ્પષ્ટ દેખાતી હોવા છતાં સીધા પગલાં લેવાને બદલે કમિટી રચવા અને 'હવે SOP બનાવીશું' તેવા બચાવ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. લોકો પૂછી રહ્યા છે કે અત્યાર સુધી SOP કેમ નહોતી? શું દર્દીને વોર્ડ સુધી સ્ટ્રેચર પર પહોંચાડવા માટે હોસ્પિટલ પાસે કોઈ ચોક્કસ નિયમાવલી નહોતી? શું માનવતા માટે પણ SOP જોઈએ? શું કોઈ લાચાર દર્દીની મદદ કરવા માટે પણ સરકારી પરિપત્રની રાહ જોવાની હોય છે?

વધુમાં, જ્યારે સમગ્ર ઘટના વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહી છે કે સ્ટ્રેચર પાસે કોઈ અટેન્ડન્ટ નહોતું, તો પછી જવાબદાર કોન્ટ્રાક્ટર અને સ્ટાફ સામે તાત્કાલિક કડક દંડાત્મક પગલાં કેમ ન લેવાયા? માત્ર કાગળ પર તપાસ સમિતિઓ રચવાથી કે નોટિસો પાઠવવાથી સરકારી હોસ્પિટલોની સંવેદનહીનતા દૂર નહીં થાય તેવી લોકોમાં લાગણી છે. જનતા હવે માંગ કરી રહી છે કે લૂલા બચાવ બંધ કરી ખાનગી એજન્સીઓ અને લાપરવાહ સ્ટાફ સામે દાખલારૂપ શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે.