સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટ સિવિલમાં સંવેદનહીનતા: વૃદ્ધા જાતે ખેંચતી રહી પતિનું સ્ટ્રેચર, સ્ટાફ તમાશો જોતો રહ્યો

રાજકોટ સિવિલમાં સંવેદનહીનતા: વૃદ્ધા જાતે ખેંચતી રહી પતિનું સ્ટ્રેચર, સ્ટાફ તમાશો જોતો રહ્યો

રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી એક વૃદ્દ દંપતીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં એક વૃદ્ધ મહિલા પોતાના બીમાર પતિને સ્ટ્રેચર પર બેસાડીને જાતે ખેંચતી જોવા મળી રહી છે. આ દ્રશ્યે હોસ્પિટલ સ્ટાફની સંવેદનહીનતા અને લાપરવાહી પર લોકોમાં ભારે રોષ ફેલાવ્યો છે.

વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે વૃદ્ધા પોતાના અશક્ત પતિને સારવાર માટે હોસ્પિટલ લઈને આવી છે. પરંતુ હોસ્પિટલના વોર્ડબોય, સિક્યુરિટી ગાર્ડ કે અન્ય સ્ટાફમાંથી કોઈએ પણ મદદ કરવા આગળ આવ્યું નહીં. આખરે લાચાર વૃદ્ધાએ પોતે જ સ્ટ્રેચર ખેંચવું પડ્યું.

ઘટનાસ્થળે હાજર લોકો અને હોસ્પિટલ સ્ટાફ માત્ર તમાશો જોતા રહ્યા. કોઈએ પણ વૃદ્ધાની મદદ કરવાની તસ્દી ન લીધી. આ ઘટને સરકારી હોસ્પિટલની સેવાઓ અને તંત્રની કાર્યપ્રણાલી પર પ્રશ્નો ઉભા કર્યા છે.

દરમિયાન, વીડિયો વાયરલ થયા બાદ હોસ્પિટલ તંત્ર સક્રિય થયું છે અને ત્યાં સિક્યુરિટી તથા અટેન્ડન્ટ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. જોકે, સ્ટાફ દ્વારા આ ઘટનાને લઈને જુદા-જુદા બહાના લઈને પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ ઘટનાએ અનેક સવાલો ખડા કર્યા છે: શું ગરીબ દર્દીઓને આ રીતે જ સેવા મળે છે? વોર્ડબોય અને અટેન્ડન્ટ પગાર શેના માટે લે છે? શું સ્ટ્રેચર ખેંચવાની જવાબદારી દર્દીના પરિવારજનોની જ રહેશે? માત્ર વીડિયો વાયરલ થયા પછી સ્ટાફ તૈનાત કરવાથી સમસ્યાનું સ્થાયી નિરાકરણ થશે?

અગાઉ પણ દર્દીઓ સાથેના દુર્વ્યવહારને કારણે વિવાદમાં આવેલી રાજકોટ સિવિલ હોસ્પિટલ સામે હવે કડક પગલાં લેવાની માંગ લોકો દ્વારા ઉઠી રહી છે.