સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટ સિવિલમાં મૃતદેહ બદલાયો: અંતિમ સંસ્કાર પણ થઈ ગયા, પરિવારને અંતિમ દર્શન ન મળ્યા

રાજકોટ સિવિલમાં મૃતદેહ બદલાયો: અંતિમ સંસ્કાર પણ થઈ ગયા, પરિવારને અંતિમ દર્શન ન મળ્યા

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારીનો બનાવ સામે આવ્યો છે. કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલા 92 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ અન્ય એક વ્યક્તિના મૃતદેહ સાથે બદલાઈ ગયો. જેના કારણે પરિવાર તેમના સ્વજનના અંતિમ દર્શન પણ ન કરી શક્યો અને અંતિમ સંસ્કાર પણ બીજા પરિવાર દ્વારા થઈ ગયા.

મૃતક હરસુખલાલ શાંતિલાલ ઠાકરના પુત્ર મુકેશભાઈએ જણાવ્યું કે, તેમના પિતાને ગોળાના ઓપરેશન માટે રાજકોટની દોશી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉંમર 92 વર્ષ હોવાથી ઓપરેશન જોખમી હતું, પણ સારવાર જરૂરી હોવાથી ઓપરેશન કરાવવાનો નિર્ણય લેવાયો. ઓપરેશન બાદ તબિયત બગડતાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા અને સવારે અવસાન થયું.

મુકેશભાઈએ વધુમાં જણાવ્યું કે, તેમની બહેન અમેરિકામાં રહે છે. તે રાજકોટ પહોંચે ત્યાં સુધી પિતાના મૃતદેહને સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં 28 સપ્ટેમ્બરના રોજ રાખવામાં આવ્યો. બુધવારે સવારે 10 વાગ્યે અંતિમ યાત્રા કાઢવાનું નક્કી હતું. પરંતુ સવારે પરિવારજનો કોલ્ડ સ્ટોરેજ પહોંચ્યા ત્યારે તેમના પિતાનો મૃતદેહ ત્યાં ન હતો.

હોસ્પિટલના સ્ટાફને જાણ કરતાં તપાસમાં સામે આવ્યું કે, મૃતદેહની અદલાબદલી થઈ ગઈ છે અને હરસુખલાલ ઠાકરના મૃતદેહના અંતિમ સંસ્કાર ગઈકાલે બપોરે 2.30 વાગ્યે રામનાથપરા સ્મશાન ખાતે થઈ ગયા છે. આ અંગે એવું પણ સામે આવ્યું છે કે, મુંબઈના વૃદ્ધ ગોપાલભાઈના પરિવારને ગઈકાલે હરસુખલાલ ઠાકરનો મૃતદેહ સોંપી દેવામાં આવ્યો હતો.

દીકરી અમેરિકાથી રાજકોટ પહોંચી, પરંતુ સિવિલની બેદરકારીના કારણે તે પિતાના અંતિમ દર્શન ન કરી શકી. પરિવારજનોએ અશ્રુભીની આંખે દુઃખ વ્યક્ત કર્યું અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી. આ માંગ લઈને પરિવારજનો પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા, જ્યાં પોલીસે જાણવા જોગ નોંધ કરી જરૂરી કાર્યવાહી શરૂ કરી છે.

રાજકોટ સિવિલના અધિક્ષક કમલસિંહ ડોડીયાએ આ બનાવને ગંભીર અને દુઃખદ ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે, મૃતદેહની અદલાબદલી કયા કારણોસર થઈ તેની તપાસ માટે કમિટી રચવામાં આવી છે. ભવિષ્યમાં આવા બનાવ ન બને તે માટે SOP પણ બનાવવામાં આવશે. મૃતદેહની અદલાબદલીમાં ગુનાહિત બેદરકારી છે કે કેમ તે બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવશે.