નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી આવતીકાલે, 15 ઓક્ટોબરના રોજ રાજકોટ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. રાજકોટમાં પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે તેમના અધ્યક્ષસ્થાને 'ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત' કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લાના 259, મોરબી જિલ્લાના 53, સુરેન્દ્રનગર જિલ્લાના 1 અને કચ્છ જિલ્લાના 6 અરજદારોને ભારતીય નાગરિકતાના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવશે. કુલ 319 અરજદારોને નાગરિકતા મળશે.
ઉલ્લેખનીય છે કે, 18 ઓગસ્ટ, 2024ના રોજ અમદાવાદમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં 188 અરજદારોને નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. ત્યારબાદ 25 જુલાઈ, 2025ના રોજ રાજકોટ શહેરમાં યોજાયેલા કાર્યક્રમમાં રાજકોટ, મોરબી અને કચ્છ જિલ્લાના 181 અરજદારોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. આ શ્રેણીમાં હવે 319 અરજદારોને નાગરિકતા મળશે.
ધ સિટિઝનશીપ (સુધારા) અધિનિયમ હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ કે અફઘાનિસ્તાનમાંથી 31 ડિસેમ્બર, 2014 સુધીમાં અથવા તે પહેલાં ભારતમાં આવેલા હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી કે ખ્રિસ્તી ધર્મના લોકોને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ છે. આ કાયદા હેઠળ અરજદાર જે દિવસે ભારતમાં પ્રવેશ્યા હોય તે દિવસથી તેમને નાગરિકતા મળવાપાત્ર ગણાય છે.
આ કાયદાથી ધાર્મિક ભેદભાવના કારણે પીડાતા લોકોને ન્યાય અને સુરક્ષા મળી રહી છે. પાડોશી દેશોમાં ત્રાસદાયક સ્થિતિને કારણે સ્થળાંતર કરીને ભારત આવેલા પરિવારોને આ કાયદાથી ભેદભાવ વગર સન્માનજનક અને સુરક્ષિત જીવન જીવવાનો અધિકાર મળે છે.
નાગરિકતા મળતાં જ આ લોકોને શિક્ષણ, આરોગ્ય, મિલકત ખરીદવાનો અધિકાર, રેશનકાર્ડ, સરકારી યોજનાઓ અને મત આપવાનો અધિકાર પણ મળશે.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે 13 ઓક્ટોબરના રોજ અમદાવાદ ખાતે યોજાયેલા નાગરિકતા પ્રમાણપત્ર એનાયત સમારોહમાં નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીના હસ્તે 158 શરણાર્થી પરિવારોને ભારતીય નાગરિકતા આપવામાં આવી હતી.