સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટમાં 2 વર્ષની બાળકીને 5મા માળેથી ફેંકવાનો આરોપ: માતાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી

રાજકોટમાં 2 વર્ષની બાળકીને 5મા માળેથી ફેંકવાનો આરોપ: માતાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી

રાજકોટ શહેરના કુવાડવા રોડ પર આવેલી એક સોસાયટીમાં સવા બે વર્ષની બાળકીને પાંચમા માળેથી નીચે ફેંકીને મોતને ઘાટ ઉતારવાની ઘટનામાં પોલીસ તપાસે મહત્ત્વનો ઘટસ્ફોટ કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, બાળકીને ફેંકનાર બીજું કોઈ નહીં, પરંતુ તેની માતા જ હોવાનું સામે આવ્યું છે. પતિ સાથેના ઝઘડા અને અન્ય સંબંધોને કારણે તેણે આ કૃત્ય કર્યું હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી છે.

મળતી માહિતી અનુસાર, ઘટના બાદ 14મી ઓક્ટોબરે આરોપી મહિલાએ મીડિયા સમક્ષ નિવેદન આપતી વખતે આંસુ સારતા કહ્યું હતું કે, '12 ઓક્ટોબરની સાંજે હું બાથરૂમમાં હતી ત્યારે મને 'મમ્મી-મમ્મી' એવો અવાજ સંભળાયો હતો. હું બહાર આવીને બધાને પૂછવા ગઈ કે ઢીંગું અહીં છે કે નહીં? બાદમાં પાંચમા માળે જઈને જોયું તો ખબર પડી કે કોઈનું બાળક નીચે પડ્યું છે.' આ વાત કરતી વખતે તેણે બે-ત્રણ વખત બેભાન થવાનું નાટક પણ કર્યું હતું, જેથી કોઈને તેના પર શંકા ન જાય.

12 ઓક્ટોબરની સાંજે 2 વર્ષ 4 મહિનાની બાળકી સોસાયટીના પાંચમા માળેથી નીચે પટકાતાં તેનું કરુણ મોત થયું હતું. બાળકી જ્યાંથી નીચે પડી તે જગ્યાએ આશરે 4 ફૂટ ઊંચી દીવાલ હતી, જેના પર નાની બાળકી જાતે ચડી શકે તેવી કોઈ શક્યતા નહોતી. આ સંજોગો જોતાં પરિવારજનોએ બાળકીને કોઈએ ઊંચકીને નીચે ફેંકી હોવાની શંકા વ્યક્ત કરી હતી, જેને પગલે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

પીઆઈ જી.આર. ચૌહાણ સહિતની ટીમે ટેક્નિકલ સોર્સ અને પડોશીઓ સહિત 14 જેટલા લોકોની આકરી પૂછપરછ હાથ ધરી હતી. સોસાયટીના સીસીટીવી કેમેરા પણ ચકાસવામાં આવ્યા હતા. શરૂઆતમાં માતાએ એવું જણાવ્યું હતું કે કોઈએ બાળકીને ફેંકી દીધી છે, પરંતુ પોલીસે જ્યારે કડક પૂછપરછ કરી ત્યારે તેણે ભાંગી પડીને પોતે જ બાળકીને નીચે ફેંકી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે બાળકીના પિતાને ફરિયાદી બનાવવાની તજવીજ હાથ ધરી છે.