રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના દહીસરડા આજી ગામે શનિવારે (5 સપ્ટેમ્બર) બપોરે એક ચેકડેમમાં ન્હાવા ગયેલા ચાર બાળકો ડૂબી જતાં તેમના મોત થયા છે. આ ઘટનામાં એક જ શેરીમાં રહેતા અને સાથે ભણતા ત્રણ મિત્રો તથા જન્માષ્ટમી નિમિત્તે મામાના ઘરે આવેલો ભાણેજ સામેલ હતો.
મૃતકોમાં જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામે રહેતો 12 વર્ષીય વંશિત વિજયભાઈ ખંભાયતા, દહીસરડા આજી ગામનો 13 વર્ષીય દીપ ગંગારામભાઈ રાજપરા, 12 વર્ષીય વાસુ યોગેશભાઈ સવસાણી અને 13 વર્ષીય ધ્યેય મનીષભાઈ ધમાસણાનો સમાવેશ થાય છે. ચારેય બાળકો પાટવાળા હનુમાન મંદિર નજીક આવેલા ચેકડેમમાં ન્હાવા ગયા હતા.
બપોરે અંદાજે 3 થી 4 વાગ્યાના સમયે બાળકો ચેકડેમમાં ઉતર્યા હતા. ત્યારબાદ તેઓ ડૂબી ગયાની જાણ થતાં ગ્રામજનોએ શોધખોળ શરૂ કરી હતી. શોધ દરમિયાન બે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે બાકીના બે બાળકોના કપડાં અને ચપ્પલ ચેકડેમ નજીકથી મળી આવ્યા હતા.
તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં રાજકોટ મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ટીમે લગભગ આઠ કલાકની જહેમત બાદ રાત્રે 11:30 વાગ્યે બાકીના બે બાળકોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યા હતા. ત્યારબાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા.
એક જ શેરીમાંથી ત્રણ બાળકોના મોતથી ગામમાં શોકનો માહોલ છવાયો છે. આ પહેલાં જૂન મહિનામાં ગોંડલ તાલુકાના શેમળા ગામે તળાવમાં ડૂબી જતાં એક જ પરિવારના ત્રણ બાળકોના મોત થયા હતાં. આ બનાવો પાણીના સ્ત્રોતો નજીક બાળકોની સલામતી અંગે ફરી એક વાર ચિંતા ઉભી કરે છે.