સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટમાં 1.02 કરોડના ગાંજા કેસમાં વધુ બે ઝડપાયા, મુખ્ય સપ્લાયર પણ દબોચાયો

રાજકોટમાં 1.02 કરોડના ગાંજા કેસમાં વધુ બે ઝડપાયા, મુખ્ય સપ્લાયર પણ દબોચાયો

રાજકોટમાં રૂ. 1.02 કરોડની કિંમતના ગાંજાના કેસમાં તપાસ આગળ વધી છે. રાજકોટ SOGએ આ કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં ગાંજાના મુખ્ય સપ્લાયર અમિત ઉર્ફે ગુરખાનો સમાવેશ થાય છે.

પોલીસના જણાવ્યા મુજબ, આ પહેલાં 204 કિલો ગાંજા સાથે ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. તપાસમાં ખુલાસો થયો છે કે ગાંજાનો જથ્થો ઓડિશાથી રાજકોટ સુધી ટ્રક મારફતે લાવવામાં આવતો હતો.

પોલીસ તપાસ પ્રમાણે, અમિત ઉર્ફે ગુરખો ઓડિશાના બાલનગીર વિસ્તારમાં જંગલમાં મકાન ભાડે રાખીને રહેતો હતો. તે ઓડિશાના જંગલ વિસ્તારમાંથી ગાંજો ખરીદતો અને પાર્સલ ટ્રક મારફતે રાજકોટ મોકલતો હતો. ઓડિશાથી મોકલવામાં આવેલો જથ્થો રાજકોટમાં અમિતનો ભાઈ સિકંદર રિસીવ કરતો હતો. ત્યાર બાદ સિકંદર સૌરાષ્ટ્રના અલગ-અલગ પેડલરો સુધી ગાંજો પહોંચાડતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપીઓએ પોલીસને ચકમો આપવા માટે સ્ટીલના પાઈપની આડમાં કુલ 204 કિલો ગાંજો રાજકોટ મોકલ્યો હતો. આ ગાંજાની કિંમત અંદાજે રૂ. 1.02 કરોડ હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ SOGને અગાઉથી માહિતી મળી હતી કે પેડલર અમિત ઓડિશાના જંગલ વિસ્તારમાંથી ગાંજાનો મોટો જથ્થો લાવવાની તૈયારીમાં છે. આ માહિતીના આધારે પોલીસ ટીમે સતત 19 દિવસ સુધી વોચ રાખી હતી. પોલીસે આ સમગ્ર કન્સાઇનમેન્ટને લગભગ 1,500 કિલોમીટર સુધી ટ્રેસ કર્યું હતું.

અમિત 29 જુલાઈના રોજ ઓડિશા પહોંચ્યો હતો અને બાલનગીરના જંગલ વિસ્તારમાંથી ગાંજાનો જથ્થો ખરીદીને પાર્સલ ટ્રકમાં લોડ કરાવ્યો હતો. બાલનગીરથી નીકળેલો ટ્રક રાયપુર, ભિલાઈ, નાગપુર, અમરાવતી, અકોલા, જલગાંવ અને ધુળે શહેરોમાંથી પસાર થઈને ગુજરાતમાં પ્રવેશ્યો હતો. જોકે, રાજકોટ શહેર પોલીસની હદમાં ટ્રક પ્રવેશે તે પહેલાં જ પોલીસે તેને કોર્ડન કરીને ઝડપી લીધો હતો.

રાજકોટ SOGના PI એન.બી. ચૌધરીની ટીમને મળેલી બાતમીના આધારે બામણબોર ચેકપોસ્ટ નજીક વોચ ગોઠવવામાં આવી હતી. ગત 18 ઓગસ્ટે શંકાસ્પદ ટ્રકને અટકાવીને તપાસ કરતાં મહમદ ઉર્ફે કાળો સરવદી અને અરબાઝ સલીમભાઈ સંધી ઝડપાઈ ગયા હતા. આ કેસમાં મુખ્ય સપ્લાયર અમિત ઉર્ફે ગુરખાને પણ ઓડિશાના જંગલ વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ, અમિત ઉર્ફે ગુરખા વિરુદ્ધ અગાઉ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં સાત ફરિયાદો નોંધાઈ ચૂકી છે. હાલ પોલીસે સમગ્ર નશાના સિન્ડિકેટ અંગે વધુ તપાસ હાથ ધરી છે. રિમાન્ડ દરમિયાન ગાંજાના સપ્લાય અને વિતરણ સાથે સંકળાયેલા અન્ય લોકોના નામ સામે આવવાની શક્યતા છે.