સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટમાં ખેડૂતો સાથે કરોડોની લૂંટ: બે કોલ સેન્ટર ઝડપાયા, અલ્પેશ દોંગાનો સંબંધ ખુલ્યો

રાજકોટમાં ખેડૂતો સાથે કરોડોની લૂંટ: બે કોલ સેન્ટર ઝડપાયા, અલ્પેશ દોંગાનો સંબંધ ખુલ્યો

રાજકોટ ગ્રામ્ય પોલીસે ખેડૂતોની અજ્ઞાનતા અને મજબૂરીનો લાભ લઈને કરોડો રૂપિયાની છેતરપિંડી કરતી ટોળકીનો પર્દાફાશ કર્યો છે. રાજકોટ શહેર અને અમદાવાદમાં ચાલતા બે કોલ સેન્ટર પર પોલીસે દરોડા પાડ્યા છે.

તપાસમાં ખુલાસો થયો છે કે જેલમાં બંધ કુખ્યાત અલ્પેશ દોંગા સાથે અક્ષિત અકબરી ઉર્ફે હેપ્પી પટેલ નામનો આરોપી આ છેતરપિંડીના કોલ સેન્ટર ચલાવતો હતો. આરોપીઓએ શ્રી અષ્ટલક્ષ્મી લોન હાઉસ, ગીતા ચેરિટેબલ ટ્રસ્ટ અને પટેલ ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ જેવા નામે પેઢી ચલાવીને ખેડૂતો સાથે છેતરપિંડી કરી હતી.

આરોપીઓ ખેડૂતોને નજીવી રકમ વ્યાજ પર આપતા અને બદલામાં કરોડો રૂપિયાની જમીન અન્ય વ્યક્તિઓના નામે કરાવી લેતા. આ કામ માટે તેઓ પોતાના સાઈબર એક્સપર્ટ મિત્રના માધ્યમથી ગીતા નામની મહિલાનો સંપર્ક કરતા હતા.

રાજકોટ શહેરમાં ધમધમતા કોલ સેન્ટરમાં 14 જેટલી મહિલાઓ કામ કરતી હોવાનું જણાયું છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપીએ રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, અમદાવાદ, બનાસકાંઠા અને મહેસાણા સહિતના જિલ્લાઓના 32 જેટલા ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે.

પોલીસે સ્થળ પરથી સાત-બાર, આઠ-અ, હક પત્રક, બોજો પત્રક, આધાર કાર્ડ, પાનકાર્ડ સહિતના દસ્તાવેજોની નકલો જપ્ત કરી છે. કુખ્યાત અલ્પેશ દોંગાના મિત્ર હિરેન લુણાગરીયાની પણ પોલીસે ધરપકડ કરી છે.

અલ્પેશ વિરુદ્ધ રાજકોટ શહેરમાં સાત અને રાજકોટ ગ્રામ્યમાં છ ગુના પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે.