રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં નકલી ડૉક્ટરો ચલાવી રહ્યા હોવાનો મોટો ખુલાસો થયો છે. રાજકોટ ગ્રામ્ય SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ની ટીમે જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં એક સાથે દરોડા પાડીને કુલ 17 નકલી તબીબોને ઝડપી પાડ્યા છે. આ લોકો ગામડાં અને નાનાં શહેરોમાં કોઈ પણ સરકારી માન્યતા કે તબીબી ડિગ્રી વગર દર્દીઓની સારવાર કરતા હતા.
SOGની કાર્યવાહીમાં પાટણવાવમાંથી 2, જસદણમાંથી 3, જેતપુર તાલુકા, શાપર અને જેતપુર શહેરમાંથી 2-2 શખ્સોને પકડવામાં આવ્યા છે. આ ઉપરાંત કોટડાસાંગાણી, મેટોડા GIDC, પડધરી અને ગોંડલ તાલુકામાંથી પણ 1-1 નકલી ડૉક્ટર ઝડપાયો છે.
પોલીસે આ શખ્સોની અભ્યાસ લાયકાત તપાસી ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી. ઝડપાયેલા 17માંથી 3 શખ્સો માત્ર ધોરણ 10 પાસ છે, 3 ધોરણ 11 પાસ છે અને 8 શખ્સો ધોરણ 12 પાસ છે. માત્ર 3 જણા સામાન્ય સ્નાતક છે. તેમનામાંથી કોઈ પાસે એલોપેથિક દવાથી સારવાર કરવા માટે જરૂરી તબીબી ડિગ્રી કે લાયસન્સ નથી.
પોલીસ તપાસ પ્રમાણે, આ તમામ શખ્સો અગાઉ કોઈ મેડિકલ સ્ટોર, નાની હોસ્પિટલ કે બીજી ક્લિનિકમાં કમ્પાઉન્ડર કે સહાયક તરીકે કામ કરતા હતા. ત્યાં દવાઓ વિશે થોડું જાણીને તેમણે પોતાની અલગ ક્લિનિક ખોલી લીધી હતી. આમાં એક શખ્સ છેલ્લા 25 વર્ષથી અને બીજો 20 વર્ષથી ગેરકાયદે સારવાર કરતો હતો, જ્યારે બાકીના 1 થી 7 વર્ષથી આ કામ કરી રહ્યા હતા.
SOGએ આ તમામ ક્લિનિકો પર દરોડા પાડીને દવાઓ, ઇન્જેક્શન અને બીજા તબીબી સાધનો મળીને રૂ. 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તમામ 17 આરોપીઓ વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.