રાજકોટ જિલ્લાની લોધિકા સંઘ ચૂંટણી પૂરી થયા બાદ ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે. જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરવાના આરોપમાં ચાર આગેવાનો વિરુદ્ધ પ્રદેશ કક્ષાએ ફરિયાદ કરી છે. જેમાં વિજેતા ઉમેદવાર વિજય સખિયા, રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરા, વાઈસ ચેરમેન વિજય કોરાટ અને વાજડી ગ્રામ સેવા સહકારી મંડળના પ્રમુખ ભૂપતસિંહ જાડેજાના નામનો સમાવેશ થાય છે. માધાપર જૂથ મંડળીની ચૂંટણીમાં આ આગેવાનોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોવાની જાણ પ્રદેશ અધ્યક્ષને કરાઈ છે.
આ ચૂંટણીમાં ભાજપના બે જૂથ આમને સામને આવ્યા હતા. એક જૂથ જયેશ રાદડિયાનું અને બીજું પ્રશાંત કોરાટનું હતું. ચૂંટણીમાં રાદડિયા જૂથને વિજય મળ્યો છે. જોકે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મેન્ડેટ આપવાથી લઈને મતદાન સુધી વિવાદ અને ચર્ચા થયા હતા.
બીજી તરફ જિલ્લા ભાજપ પ્રમુખે વિજેતા ઉમેદવારને બળવાખોર ગણાવતા વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. બળવાખોર ગણાવાયેલા વિજય સખિયાએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા અલ્પેશ ઢોલરિયા સામે પ્રહાર કર્યા હતા. સખિયાએ કહ્યું, 'હું ભાજપમાં ન હોઉં તો મને ભાજપ કાર્યાલયમાં કેમ બોલાવાયો? અલ્પેશ ઢોલરિયા તેમના માનીતાને સાચવી રહ્યા છે. હું 2016થી ભાજપનો સક્રિય સભ્ય છું. મને પણ ભાજપે મેન્ડેટ આપ્યો હતો, મારી પાસે મતદારો હોવા છતાં મને અન્યાય કરવામાં આવ્યો.' તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે અલ્પેશ ઢોલરિયા અને જિલ્લા ભાજપના પ્રભારી ભરત આર્ય જિલ્લામાં પક્ષને તોડી રહ્યા છે. આવા જિલ્લા ભાજપ પ્રમુખને બદલવા જોઈએ.
સખિયાએ સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ પ્રથાનો વિરોધ કરતા કહ્યું કે સહકારી ક્ષેત્રે મેન્ડેટ પ્રક્રિયા ન હોવી જોઈએ. તેમણે જયેશ રાદડિયાની ભૂમિકા સ્પષ્ટ કરતા કહ્યું કે આ ચૂંટણીમાં જયેશ રાદડિયાની કોઈ ભૂમિકા નથી. રાદડિયા સાથે પારિવારિક સંબંધ હોવાથી તેમને રાદડિયા જૂથના ગણવામાં આવે છે. મને અન્યાય થયો એટલે મેં ફોર્મ ભર્યું હતું.