રાજકોટ: દિવાળી પહેલાં રાજકોટની બેડી માર્કેટિંગ યાર્ડમાં ખેતપેદાશોની આવક વધી છે. 4 નવેમ્બરે વહેલી સવારે ખેડૂતો ટ્રેક્ટરમાં માલ લઈને યાર્ડમાં પહોંચ્યા હતા. આ વર્ષે ઓછા વરસાદને કારણે ઉત્પાદન ઘટ્યું છે, તેમ છતાં ખેડૂતોને દવા-ખાતરના ખર્ચા અને ઘરખર્ચ કાઢવા મગફળી સહિતના પાકો મિડિયમ ભાવે વેચવાની ફરજ પડી છે.
હાલ મગફળીના ભાવ 1400-1450 રૂપિયા પ્રતિ મણ ચાલી રહ્યા છે, જે ગત વર્ષની સરખામણીમાં માત્ર 200-300 રૂપિયાનો નજીવો વધારો દર્શાવે છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, ઓછા વરસાદને કારણે પાકનું ઉત્પાદન ઘટ્યું છે અને સરકારી સહાય પણ મળી રહી નથી.
યાર્ડમાં માલ લાવેલા એક ખેડૂતે જણાવ્યું કે, 'તહેવાર ટાણે બધાને પૈસાની જરૂર હોય છે. વરસાદ ઓછો થયો છે, તેથી પાકનો ઉતારો ખૂબ ઓછો છે. ગત વર્ષે પણ ભાવ આવા જ હતા, કોઈ ખાસ વધારો નથી. મગફળી નબળી હોય તો ઓછા ભાવ મળે છે.'
દિવાળીની રજાઓ શરૂ થાય તે પહેલાં દૂર-દૂરના ગામોમાંથી ખેડૂતો પોતાનો માલ લઈને યાર્ડમાં આવી પહોંચ્યા છે. ખેડૂતોને આર્થિક સંકળામણનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે તેમણે ખેતી મજૂરી, દવા, બિયારણ અને ખાતરના બાકી નાણાં ચૂકવવાના છે.