સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ATM ચોરી કરતી UPની ગેંગ ઝડપી, 3 ઝડપાયા

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ATM ચોરી કરતી UPની ગેંગ ઝડપી, 3 ઝડપાયા

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે એટીએમમાંથી રોકડ ચોરી કરતી ઉત્તર પ્રદેશની એક ટોળકીનો પર્દાફાશ કર્યો છે. આ ટોળકી એટીએમના ડિસ્પેન્સર બોક્સમાં પ્લાસ્ટિકની પટ્ટી ગોઠવી દેતી હતી, જેથી ગ્રાહકના ખાતામાંથી પૈસા કપાઈ જતા, પણ મશીનમાંથી રોકડ બહાર ન આવતી. ગ્રાહક નિરાશ થઈને જતો, અને ત્યાર બાદ આ ટોળકી ફસાયેલા પૈસા સેરવી લેતી.

પોલીસે આ ગેંગના 3 સભ્યોને દબોચી લીધા છે. આરોપીઓની ઓળખ અફસાર અહમદ રિયાસતઅલી (23), અરબાઝ ફૈયાઝ અહમદ (27) અને સાહિંદખાન મોહમદસલીમ (26) તરીકે થઈ છે. ત્રણેય મૂળ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢના રહેવાસી છે.

પોલીસે આરોપીઓ પાસેથી રોકડ, એક કાર અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 4.45 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક પૂછપરછમાં ટોળકીએ ગુજરાત અને મુંબઈના 14 એટીએમને નિશાન બનાવ્યાનું અને અંદાજે રૂ. 5.50 લાખની ચોરી કર્યાનું કબૂલ્યું છે. તેમણે સુરતના સચિન જીઆઈડીસી, પ્રાણી સંગ્રહાલય અને ઉધના વિસ્તાર, અમદાવાદના નારોલ, સરખેજ, છત્રાલ બાયપાસ અને રિંગ રોડ બાયપાસ, મહેસાણા રેલવે સ્ટેશન વિસ્તાર તેમજ મુંબઈના પૂર્વ વિસ્તારમાં આવેલા એટીએમમાં ચોરી કરી હતી.

પોલીસે જણાવ્યું કે આ ગેંગ મુખ્યત્વે રજાના દિવસોમાં SBI અને બેંક ઓફ બરોડાના એટીએમની રેકી કરતી હતી. જ્યારે એટીએમ રૂમમાં ગ્રાહક કે સિક્યુરિટી ગાર્ડ ન હોય, ત્યારે તેઓ ડિસ્પેન્સર બોક્સમાં પ્લાસ્ટિકની પટ્ટી ગોઠવી દેતા. ગ્રાહક જતા જ તરત જ એલ્યુમિનિયમની પટ્ટી વડે ફસાયેલી રોકડ કાઢીને ભાગી જતા. પોલીસે આરોપીઓ પાસે આ પદ્ધતિનો લાઈવ ડેમો પણ કરાવ્યો હતો.

આ તમામ 14 ગુનાઓ અંગે સંબંધિત પોલીસ સ્ટેશનો દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવશે. આ ઘટનાએ બેંકો માટે ચેતવણીનું કામ કર્યું છે, જેમાં એટીએમ પર ફરજિયાત સિક્યુરિટી ગાર્ડ રાખવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.