સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટમાંથી APK ફાઇલ દ્વારા સાયબર ઠગાઈ કરતી આંતરરાજ્ય ટોળકી ઝડપાઈ, 55થી વધુ ફરિયાદો

રાજકોટમાંથી APK ફાઇલ દ્વારા સાયબર ઠગાઈ કરતી આંતરરાજ્ય ટોળકી ઝડપાઈ, 55થી વધુ ફરિયાદો

રાજકોટ રૂરલ પોલીસની સાયબર ક્રાઇમ ટીમે APK ફાઇલ મારફતે દેશભરમાં સાયબર ઠગાઈ કરતી આંતરરાજ્ય ટોળકીના ચાર સભ્યોને ઝડપી પાડ્યા છે. આ ટોળકી કોલકાતાથી કાર્યરત હતી અને 8 રાજ્યોમાં લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી.

ધોરાજીના સુપેડી ગામના નિવૃત્ત કર્મચારી જયંતિલાલ ભેસદડિયાને લગ્નની કંકોતરીની APK ફાઇલ મોકલી રૂ. 6.75 લાખની ઠગાઈ કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે તપાસ શરૂ થઈ હતી. તપાસમાં જાણવા મળ્યું કે આ ટોળકી કોલકાતા, દાર્જિલિંગ અને કર્ણાટકમાંથી કાર્યરત હતી. પોલીસે મુખ્ય સૂત્રધાર મોહમ્મદ દાનીશ આલમગીર રીઝવી (28)ને કોલકાતાથી, મોહમ્મદ તૌસિફ રઝા અને તેની પ્રેમિકા ઝોયા ખાનને કર્ણાટકથી તથા અય્યાઝ આલમને કોલકાતાથી ઝડપી લીધા હતા.

પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ ટોળકી પશ્ચિમ બંગાળમાં કોલ સેન્ટર ચલાવતી હતી. તેઓ જુદી-જુદી મહિલાઓના નામે વોટ્સએપ ગ્રુપ બનાવીને લગ્નની આમંત્રણ, કુરિયર, વીજળીના બિલ, ઇ-ચલણ વગેરેના નામે 19 પ્રકારની APK ફાઇલો મોકલતા હતા. આ ફાઇલ ખોલતાં જ લોકોના મોબાઇલ ફોન હેક થઈ જતા અને તેમના બેંક ખાતામાંથી રકમ ઉપાડી લેવાતી હતી.

ઠગાઈની રકમને મ્યુલ એકાઉન્ટમાં જમા કરાવીને પછી ગોલ્ડ કોઇન અને સોનાના ઘરેણાં ખરીદીને વેચી દેવામાં આવતી હતી. પેટ્રોલ પંપ અને અન્ય જગ્યાએ કમિશન આપીને રોકડ મેળવીને હવાલા દ્વારા મુખ્ય સૂત્રધાર સુધી પહોંચાડવામાં આવતી હતી.

પોલીસે આ ટોળકી પાસેથી 11 મોબાઇલ ફોન, સોનાના 13 સિક્કા, સોનાની ચેઇન, રૂ. 1.29 લાખ રોકડ, 18 ક્રેડિટ અને ડેબિટ કાર્ડ તથા 7 સિમકાર્ડ સહિત કુલ રૂ. 18.16 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ ટોળકી સામે રાજકોટ રૂરલ, ધોરાજી તાલુકા, દાદરા નગર હવેલી, ઉદયપુર, મુંબઇ અને રાજકોટના થોરાળા પોલીસ મથકમાં 7 ગુના નોંધાયા છે. ઉપરાંત NCRP પોર્ટલ પર રાજકોટ, અમદાવાદ, જામનગર, વલસાડ, સુરત, વડોદરા, જૂનાગઢ, અરવલ્લી, સાબરકાંઠા સહિતના રહીશોએ પણ ફરિયાદ નોંધાવી છે. અન્ય રાજ્યોના લોકોએ પણ ઓનલાઇન ફરિયાદો કરી છે. આમ કુલ 55થી વધુ ફરિયાદો નોંધાઈ છે. પોલીસને શંકા છે કે હજુ ઘણા કિસ્સા નોંધાયા નથી.

ઝડપાયેલા આરોપીઓમાં મુખ્ય સૂત્રધાર મોહમ્મદ દાનીશ ઉર્ફે ડેનિયલ APK ફાઇલોનો જાણકાર છે અને સાયબર ફ્રોડ માટેની એપના ડેવલપર સાથે સંપર્કમાં હતો. તે તૌસિફ અને ઝોયા સાથે મળીને સોનાના સિક્કા અને ઘરેણાં ખરીદીને વેચી રોકડી કરતો હતો અને તેમાંથી પોતાનો હિસ્સો રાખીને બાકીની રકમ અન્ય સભ્યો તથા એપ ડેવલપરને આપતો હતો. તૌસિફ તેની પ્રેમિકા ઝોયા સાથે જુદા-જુદા રાજ્યોમાં જઈને સોનાના સિક્કા અને ઘરેણાં ખરીદતો હતો, જે માટે તે QR કોડ મોકલતો અને ખોટા આઈડી પ્રૂફ પણ બતાવતો હતો.