સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટ એરપોર્ટ પર ખરાબ હવામાનથી બે ફ્લાઇટ વડોદરા ડાયવર્ટ, 200 મુસાફરોને હાલાકી

રાજકોટ એરપોર્ટ પર ખરાબ હવામાનથી બે ફ્લાઇટ વડોદરા ડાયવર્ટ, 200 મુસાફરોને હાલાકી

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે સવારે ખરાબ હવામાનના કારણે મુંબઈથી આવતી બે ફ્લાઇટ વડોદરા ડાયવર્ટ કરવામાં આવી હતી. જેના કારણે 200થી વધુ મુસાફરોને કલાકો સુધી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

એરપોર્ટ ઓથોરિટીના સૂત્રો પ્રમાણે, એર ઇન્ડિયાની AIC 1AF ફ્લાઇટ સવારે 8 વાગ્યે મુંબઈથી રાજકોટ પહોંચવાની હતી, પરંતુ ખરાબ હવામાનને કારણે તેને વડોદરા ડાયવર્ટ કરવામાં આવી. આ ફ્લાઇટમાં 100થી વધુ મુસાફરો હતા. આ ઉપરાંત, ઇન્ડિગોની IGO 5156 ફ્લાઇટ, જે સવારે 8:40 વાગ્યે મુંબઈથી રાજકોટ આવવાની હતી, તેને પણ વડોદરા ડાયવર્ટ કરવામાં આવી. આ ફ્લાઇટમાં પણ 100થી વધુ મુસાફરો મુંબઈથી રાજકોટ આવી રહ્યા હતા.

રાજકોટ-અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે આવેલા હિરાસર નજીક વરસાદ અને ખરાબ વાતાવરણના કારણે ફ્લાઇટને લેન્ડિંગ કરવામાં મુશ્કેલી પડી રહી છે. જેને કારણે રાજકોટ આવતી બે ફ્લાઇટ વડોદરા ડાયવર્ટ થઈ ચૂકી છે. હજુ વધુ ફ્લાઇટ ડાયવર્ટ થાય તેવી સંભાવના છે, જોકે તે બાબતે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.