સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટ મનપાએ વિકાસ કાર્યો પર લગાવી AI નજર, કોન્ટ્રાક્ટરોની કામગીરી થશે ઓનલાઇન

રાજકોટ મનપાએ વિકાસ કાર્યો પર લગાવી AI નજર, કોન્ટ્રાક્ટરોની કામગીરી થશે ઓનલાઇન

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) એ વિકાસ કાર્યોમાં પારદર્શિતા લાવવા અને ભ્રષ્ટાચાર રોકવા માટે એક અદ્યતન AI-આધારિત ઓનલાઇન સિસ્ટમનો અમલ કર્યો છે. આ સિસ્ટમ કોન્ટ્રાક્ટરોની કામગીરી અને વપરાયેલી સામગ્રીની ગુણવત્તા પર ડિજિટલ નજર રાખશે.

નવા ડિજિટલ મોનિટરિંગ પ્લેટફોર્મ હેઠળ કોર્પોરેશનના તમામ વિકાસ કાર્યોની વિગતો ઓનલાઇન ઉપલબ્ધ થશે. કોન્ટ્રાક્ટરોએ દરરોજ તેમની કામગીરીની વિગતો ઓનલાઇન અપલોડ કરવાની રહેશે. વિકાસ કામની પ્રગતિ અને વપરાયેલી સામગ્રીની ગુણવત્તાની પણ ચકાસણી કરાશે. અધિકારીઓની સાઇટ મુલાકાતના ફોટોગ્રાફ્સ સાથેનો ડેટા પણ ઓનલાઇન મુકાશે, જેથી કાર્યક્ષમતા અને પ્રામાણિકતા જળવાઈ રહે.

ભ્રષ્ટાચાર અટકાવવા માટે વિજિલન્સ તપાસ ટીમને નિરીક્ષણ સ્થળના 200 મીટર પહેલાં જ લોકેશનની જાણ કરવામાં આવશે. આનાથી તપાસ ટીમ ક્યાં જશે તેની માહિતી લીક થતી અટકશે અને અચાનક નિરીક્ષણ શક્ય બનશે. દરરોજ અંદાજે 15 કર્મચારીઓ આ ઓનલાઇન સિસ્ટમનું મોનિટરિંગ કરશે.

RMCનો આ મહત્વનો પ્રોજેક્ટ વહીવટમાં પારદર્શિતા લાવવા અને રાજકોટના વિકાસ કાર્યોમાં ભ્રષ્ટાચારમુક્ત વાતાવરણ ઊભું કરવાના ઉદ્દેશ્ય સાથે અમલમાં મુકાયો છે.