રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલા ભાયલા બ્રિજ ઉપર આજે એક ખાનગી લક્ઝરી બસમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આગ ફાટતાં બ્રિજ પર અને આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, ઘટનાની જાણ થતાં જ 112ની ટીમે દાખવેલી ત્વરિત કામગીરીને કારણે બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે.
બ્રિજ પર લક્ઝરી બસમાંથી આગના જ્વાળામુખી જેવા ગોટા નીકળતા જોઈને ઘટનાસ્થળ નજીક કેરાળા બ્રિજ પર તહેનાત 112 (EMRS)ની PCR-1 ટીમ તુરંત જ હરકતમાં આવી ગઈ હતી. પોલીસ ટીમે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના સ્થળ પર પહોંચીને સૌથી પહેલાં બસમાંથી મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવાની કવાયત હાથ ધરી હતી અને મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરી હતી.
સ્થિતિની ગંભીરતાને જોઈને 112ની ટીમે તાત્કાલિક 'એલબી ટેક્સ'ની ફાયર ફાઈટર ટીમને કોલ કરીને સ્થળ પર બોલાવી લીધી હતી. ફાયર બ્રિગેડના જવાનો અને પોલીસની સંયુક્ત ટીમે ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. હાઇવે પર ટ્રાફિક જામ ન સર્જાય અને અન્ય વાહનચાલકો સુરક્ષિત રહે તે માટે પોલીસે તાત્કાલિક ટ્રાફિક ડાયવર્ટ કરીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.
સમયસર મળેલી મદદના કારણે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને મોટી હોનારત ટળી ગઈ છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.