સત્ય. સાહસ. સંકલ્પ.

રાજેશ શુક્લને હાઈકોર્ટની નોટિસ: ચૂંટણી ફોર્મમાં ક્રિમીનલ કેસ છુપાવવાનો આક્ષેપ

રાજેશ શુક્લને હાઈકોર્ટની નોટિસ: ચૂંટણી ફોર્મમાં ક્રિમીનલ કેસ છુપાવવાનો આક્ષેપ

ગુજરાત હાઈકોર્ટે રાજ્યસભાના સાંસદ રાજેશ શુક્લને નોટિસ પાઠવી છે. કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ તેમની સામે ચૂંટણી પિટિશન દાખલ કરી છે. આ પિટિશનમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે સાંસદે ઉમેદવારી સમયે ભરેલા શપથપત્ર (એફિડેવિટ)માં તેમની સામે પડતર ક્રિમીનલ કેસની વિગત જાહેર કરી નથી.

એડવોકેટ શક્તિસિંહ ગોહિલના જણાવ્યા મુજબ, ઉમેદવારે ચૂંટણી ફોર્મમાં જણાવવું પડે કે તેની સામે કોઈ કાનૂની કાર્યવાહી ચાલી રહી છે કે નહીં. જો ચાલી રહી હોય તો તે કયા તબક્કે છે, તેની માહિતી આપવી પડે. ભાજપના સાંસદે આવી કોઈ વિગત દર્શાવી નથી. આ માહિતી કોંગ્રેસને મળતાં ગુજરાત હાઈકોર્ટમાં ચૂંટણી પિટિશન દાખલ કરવામાં આવી છે. કોર્ટે આ અરજી અંગે જવાબ રજૂ કરવા સાંસદને નોટિસ પાઠવી છે.

આ અંગે સાંસદ રાજેશ શુક્લે કહ્યું કે આ સબ જ્યુડિશિયલ મેટર છે, એટલે હું કંઈ કહેવા માંગતો નથી. મને હજી સુધી કોઈ નોટિસ મળી નથી.

એડવોકેટ સી.પી. ચાંપાનેરીએ જણાવ્યું કે ચૂંટણી પંચે નક્કી કરેલા નમૂના મુજબનું એફિડેવિટ દાખલ કરવું પડે છે. સુપ્રીમ કોર્ટના આદેશો મુજબ પણ ઉમેદવાર સામેની કાનૂની કાર્યવાહી ફોર્મમાં જાહેર કરવી પડે. જો ઉમેદવાર આવી જાહેરાત ન કરે તો તેની ઉમેદવારી રદ થવા પાત્ર બને છે. રાજેશ શુક્લે ઉમેદવારી ફોર્મમાં લખ્યું છે કે તેમની સામે કોઈ ક્રિમીનલ કેસ પેન્ડિંગ નથી.

સાંસદ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 406, 420, 465 અને 467 હેઠળ ગુનો નોંધાયેલો છે. આ કેસમાં તેમની સામે ચાર્જફ્રેમ પણ થયેલો છે અને કેસ પુરાવા રજૂ કરવાના તબક્કે છે. કોર્ટે તેમની સામે પ્રોસેસ પણ ઇશ્યૂ કરી હતી, જેને તેમણે હાઈકોર્ટમાં પડકાર્યું હતું, પરંતુ તેમને કોર્ટ તરફથી કોઈ રાહત મળી નથી. આથી તેમની ચૂંટણી રદ થવા પાત્ર હોવાની માંગ હાઈકોર્ટ સમક્ષ કરવામાં આવી છે.