સત્ય. સાહસ. સંકલ્પ.

ભાવનગર: રાજભા ગઢવીની લઠ્ઠાકાંડ પર ટિપ્પણી, 'રાક્ષસ ધૂણાવી નાખે'નો સંકેત

ભાવનગર: રાજભા ગઢવીની લઠ્ઠાકાંડ પર ટિપ્પણી, 'રાક્ષસ ધૂણાવી નાખે'નો સંકેત

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં નગરપાલિકા દ્વારા આયોજિત 'રંગ કસુંબલ લોક ડાયરા' દરમિયાન જાણીતા લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ લઠ્ઠાકાંડ અંગે કરેલી ટિપ્પણી હાલ ચર્ચાનો વિષય બની છે. મંચ પર ભાજપના વરિષ્ઠ નેતાઓ અને કેન્દ્રીય મંત્રીની હાજરી વચ્ચે તેમણે વ્યસનમુક્તિની વાત કરતાં લઠ્ઠાકાંડનો ઉલ્લેખ કર્યો હતો.

લોક ડાયરા દરમિયાન રાજભા ગઢવીએ કહ્યું, 'સમાજમાં રામ આવે તો સારા કામ થાય. ઘણા ગામોમાં એવા રામ આવ્યા છે કે આખા ગામનું વ્યસન બંધ કરાવી દીધું છે.' તેમણે ઉમેર્યું, 'જો સમાજમાં રાક્ષસ આવી જાય તો આખા સમાજને ધૂણાવી નાખે.' આ ટિપ્પણીને ભાવનગરના ચર્ચાસ્પદ લઠ્ઠાકાંડ સાથે જોડતાં તેમણે સ્પષ્ટ કહ્યું કે લઠ્ઠાકાંડે આખા ભાવનગરને ધૂણાવી નાખ્યું છે.

આ ટિપ્પણી સમયે મંચ પર ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા, ભાજપના જિલ્લા પ્રમુખ, સ્થાનિક હોદ્દેદારો અને સંતો-મહંતો હાજર હતા. જાહેર મંચ પરથી આ રજૂઆતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે.

લઠ્ઠાકાંડ બાદ પોલીસે અત્યાર સુધી 37 આરોપીઓની ધરપકડ કરી છે. સ્ટેટ મોનિટરિંગ સેલે આરોપીઓના રિમાન્ડ મેળવ્યા છે અને નકલી દારુની સપ્લાય ચેઈન સુધી પહોંચવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ભાવનગર પોલીસની ભૂમિકા અંગે પણ ચર્ચા થઈ રહી છે. સ્ટેટ મોનિટરિંગ સેલના આઈજીપી ગગનદીપ ગંભીરે ભાવનગર એસપી કચેરી ખાતે પાંચ દિવસ સુધી પૂછપરછ કરી અને કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે.