રજત કપૂર ભારતીય સિનેમાના એવા અભિનેતા છે જેમણે સમાંતર સિનેમાથી શરૂઆત કરીને હિન્દી ફિલ્મો અને વેબ સિરીઝમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. તાજેતરમાં તેઓ 'દ્રશ્યમ 3'માં તબ્બુના પતિની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. 63 વર્ષીય રજત કપૂરે અભિનય ઉપરાંત લેખન અને દિગ્દર્શનમાં પણ નામ કમાવ્યું છે.
રજત કપૂરનો જન્મ 11 ફેબ્રુઆરી 1961ના રોજ નવી દિલ્હીમાં થયો હતો અને તેઓ જૂની દિલ્હીમાં ઉછર્યા હતા. 1983માં તેઓ દિલ્હીના થિયેટર ગ્રુપ 'ચિંગારી'માં જોડાયા. 1985માં ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (FTII), પુણેમાં અભ્યાસ કરવા ગયા. 1989માં કુમાર શાહાનીની ફિલ્મ 'ખયાલ ગાથા' દ્વારા અભિનયમાં ડેબ્યુ કર્યું.
1990ના દાયકામાં જ્યારે અભિનય માટે કામ મળવામાં મુશ્કેલી પડી, ત્યારે તેમણે શોર્ટ ફિલ્મ્સ લખવાનું અને નિર્દેશન કરવાનું શરૂ કર્યું. તેમણે 'પ્રાઇવેટ ડિટેક્ટિવ: ટુ પ્લસ ટુ પ્લસ વન' દ્વારા ફીચર ફિલ્મ નિર્દેશક તરીકેની શરૂઆત કરી, જેમાં ઈરફાન ખાન અને નસીરુદ્દીન શાહની નાની ભૂમિકાઓ હતી.
રજત કપૂરે 1996માં ફોટોગ્રાફર અને પ્રોડક્શન ડિઝાઇનર મીનલ અગ્રવાલ સાથે લગ્ન કર્યા. તેમને બે સંતાનો છે – પુત્રી રાબિયા અને પુત્ર વિવાન. તેમણે જણાવ્યું છે કે તેઓ માને છે કે ઈશ્વર એ માનવ-નિર્મિત ખ્યાલ છે.
રજત કપૂર ત્રણ વખત રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા છે. પ્રથમ તેમની 26 મિનિટની નોન-ફીચર ડોક્યુમેન્ટરી 'તરાના' માટે, ત્યારબાદ શોર્ટ ફિલ્મ 'હિપ્નોથેસિસ' માટે અને પછી 'રઘુ રોમિયો' માટે શ્રેષ્ઠ હિન્દી ફીચર ફિલ્મ તરીકે. 'રઘુ રોમિયો' બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી, પરંતુ તેને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. આ ફિલ્મ બનાવવા માટે રજતે મિત્રો પાસેથી લોન લીધી હતી, જે ચૂકવવામાં તેમને ત્રણ વર્ષ લાગ્યા હતા.
ઓક્ટોબર 2018માં 'મી ટૂ' (Me Too) આંદોલન દરમિયાન બે અલગ-અલગ મહિલાઓએ કપૂર પર જાતીય સતામણીનો આરોપ મૂક્યો હતો. તેમાંથી એક મહિલા પત્રકાર હતી, જેમણે જણાવ્યું કે ટેલિફોન પરના ઇન્ટરવ્યુ દરમિયાન કપૂરે અયોગ્ય ટિપ્પણીઓ કરી હતી. આ આરોપો બાદ કપૂરે ટ્વિટર પર માફી માંગતા કહ્યું હતું, "હું હૃદયપૂર્વક માફી માંગુ છું અને મને દુઃખ છે કે અન્ય કોઈ વ્યક્તિને થયેલી આ પીડાનું કારણ હું બન્યો હતો." આ આરોપોને કારણે તેમની ફિલ્મ 'કડક' (Kadakh)ને 20મા MAMI ફિલ્મ ફેસ્ટિવલમાંથી પડતી મૂકવામાં આવી હતી.