સત્ય. સાહસ. સંકલ્પ.

રાજસ્થાન નગરપાલિકા ચૂંટણી: ભાજપને 4,000થી વધુ વોર્ડ, કોંગ્રેસે 3,450 વોર્ડમાં ટક્કર આપી

રાજસ્થાન નગરપાલિકા ચૂંટણી: ભાજપને 4,000થી વધુ વોર્ડ, કોંગ્રેસે 3,450 વોર્ડમાં ટક્કર આપી

રાજસ્થાનમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ રાજ્યભરમાં 4,000થી વધુ વોર્ડમાં વિજય મેળવ્યો છે. કોંગ્રેસે 3,450થી વધુ વોર્ડમાં જીત મેળવી ટક્કર આપી છે, જ્યારે અપક્ષ ઉમેરદારોએ 2,400થી વધુ વોર્ડમાં જીત મેળવી છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આ જીતને ઐતિહાસિક ગણાવીને જનતા અને કાર્યકર્તાઓનો આભાર માન્યો છે.

રાજ્યના 10 નગર નિગમોમાંથી ભાજપે 5માં સ્પષ્ટ વિજય મેળવ્યો છે, કોંગ્રેસને 1માં જીત મળી છે અને 4 નગર નિગમોમાં ત્રિશંકુ પરિણામ આવ્યું છે. કુલ 252 નગરપાલિકાઓમાંથી ભાજપે 144, કોંગ્રેસે 92 અને અપક્ષોએ 16માં જીત મેળવી છે. 47 નગર પરિષદોમાંથી ભાજપ 21, કોંગ્રેસ 17 અને અપક્ષોએ 9 બેઠકો પર વિજય મેળવ્યો છે.

આ ચૂંટણીમાં કેટલાક દિગ્ગજ નેતાઓના ગઢમાં ભાજપને ફટકો પડ્યો છે. કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલના સંસદીય ક્ષેત્ર બીકાનેરમાં અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તથા પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના વિસ્તાર ઝાલાવાડમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. પરબતસર નગરપાલિકાના વોર્ડ નંબર 13માં ભાજપના ઉમેદવારને માત્ર 1 વોટ મળ્યો હતો, જ્યારે તેમને પોતાનો મત પણ મળ્યો નહોતો.

ભાજપની જીતમાં યુવાનોને સરકારી નોકરીઓ અને પેપરલીક રોકવાની ભજનલાલ સરકારની કડક કાર્યવાહી મહત્વનું પરિબળ મનાય છે. જોકે મોટા શહેરોમાં UGC સંબંધિત વિરોધની અસર પણ જોવા મળી હોવાનું મનાય છે. કોંગ્રેસ ભાજપ વિરોધી લહેર પર વધુ પડતી નિર્ભર રહી, સંગઠનમાં આંતરિક જૂથબંધી અને મહત્વના મુદ્દાઓ પર મૌન રહેવાને કારણે નુકસાન થયું છે. NEET પેપરલીક અને યુવાનોના મુદ્દાઓ પર અસરકારક અવાજ ન ઉઠાવવાનું પણ કોંગ્રેસને ભારે પડ્યું છે.

મતગણતરી દરમિયાન કેટલીક EVMમાં ટેકનિકલ ખામી સામે આવી હતી. અસરગ્રસ્ત મતોની સંખ્યા ઉમેદવારો વચ્ચેના જીત-હારના માર્જિન કરતાં વધુ હોવાથી રાજ્ય ચૂંટણી પંચે પારદર્શિતા જાળવવા 16 સપ્ટેમ્બરે 10 મતદાન કેન્દ્રો પર ફરીથી મતદાન કરાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં જયપુરના 5, કોટાના 3, જોધપુરના 1 અને સુકેત નગરપાલિકાના 1 મતદાન મથકનો સમાવેશ થાય છે. જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને રિટર્નિંગ અધિકારીઓના રિપોર્ટના આધારે આ નિર્ણય લેવાયો છે.