રાજસ્થાનના નાગોર જિલ્લાની મુંડવા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને મોટી શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. કુલ 25 બેઠકોમાંથી 10 બેઠકો જીતીને ભાજપ સૌથી મોટો પક્ષ બન્યો હોવા છતાં, પાર્ટીના ચેરમેન પદના ઉમેદવાર ગીતા દેવીને એક પણ મત મળ્યો નહોતો. આ સ્થિતિ પાર્ટી માટે ખૂબ ક્ષોભજનક ગણાય છે.
કોંગ્રેસ અને રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (આરએલપી)ના ગઠબંધનના ઉમેદવાર અલકા દેવી કંડોઈને 13 મત મળ્યા, જેથી તેઓ ચેરમેન તરીકે ચૂંટાયા. બીજી તરફ, અપક્ષ ઉમેદવાર ઘનશ્યામ સદાવાતને 12 મત મળ્યા અને તેઓ માત્ર એક મતથી હારી ગયા. ભાજપમાંથી ટિકિટ ન મળતાં બળવો કરનાર સદાવાતે અપક્ષ ચૂંટણી લડી હતી.
મુંડવા નગરપાલિકામાં કુલ 25 વોર્ડ છે. ચૂંટણીમાં ભાજપને 10, આરએલપીને 7, કોંગ્રેસને 3 અને અપક્ષોને 5 બેઠકો મળી હતી. કોંગ્રેસ અને આરએલપીએ મળીને અલકા દેવીને સંયુક્ત ઉમેદવાર બનાવ્યા હતા. ગઠબંધન પાસે કુલ 10 મત હોવા છતાં અલકા દેવીને 13 મત મળ્યા, જે દર્શાવે છે કે અપક્ષ અથવા ભાજપના કેટલાક કાઉન્સિલરોએ પણ તેમને મત આપ્યા હતા. ભાજપના કાઉન્સિલરોએ ક્રોસ વોટિંગ કર્યું હોવાનું મનાય છે.
ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના અજમેર અને પાલી કોર્પોરેશનમાં ભાજપ સરકાર બનાવવાની ચર્ચા વચ્ચે મુંડવામાં આવી વિપરીત સ્થિતિ સામે આવી છે. જયપુરથી લગભગ 250 કિલોમીટર દૂર આવેલી આ નગરપાલિકામાં ભાજપ સૌથી મોટો પક્ષ હોવા છતાં પોતાનો ચેરમેન બનાવવામાં નિષ્ફળ રહ્યો અને શૂન્ય મત મેળવી શરમજનક સ્થિતિમાં મુકાયો.