વડોદરાના રણજી ટ્રોફી ક્રિકેટર અને IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી ચૂકેલા શિવાલીક શર્મા સામે તેમની પૂર્વ મંગેતરે દુષ્કર્મની કરેલી ફરિયાદ રાજસ્થાન હાઈકોર્ટે રદ કરી છે. કોર્ટે ફરિયાદ રદ કરવાનો આદેશ આપતાં ક્રિકેટરને મોટી રાહત મળી છે.
રાજસ્થાનના જોધપુર સ્થિત કુડી ભગતસુની હાઉસિંગ બોર્ડ પોલીસ સ્ટેશનમાં યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, વર્ષ 2023માં યુવતી મિત્રો સાથે વડોદરા ગઈ હતી ત્યારે શિવાલીક સાથે તેનો સંપર્ક થયો હતો. ધીમે ધીમે વાતચીત ગાઢ મિત્રતામાં અને પછી પ્રેમ સંબંધમાં પરિણમી હતી. ઓગસ્ટ 2023માં શિવાલીક પોતાના પરિવાર સાથે જોધપુર ગયો હતો અને બંને પરિવારોની સંમતિથી વિધિવત સગાઈ થઈ હતી. સગાઈ બાદ બંને વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા હતા. જોકે, બાદમાં મતભેદો સર્જાતાં સગાઈ તૂટી ગઈ હતી. જેથી નારાજ યુવતીએ શિવાલીક સામે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાનો આરોપ મૂકીને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ કેસની સુનાવણી દરમિયાન રાજસ્થાન હાઈકોર્ટે મહત્ત્વનું અવલોકન કર્યું હતું કે, બે સમજદાર અને પુખ્ત વયના વ્યક્તિઓ વચ્ચે પરિવારોની સંમતિથી સગાઈ થઈ હોય અને ત્યારબાદ બંનેની પરસ્પર સંમતિથી શારીરિક સંબંધો બંધાયા હોય, તો સંબંધોમાં પાછળથી આવેલી કડવાશ કે સગાઈ તૂટી જવા માત્રથી તેને દુષ્કર્મનો ગુનો ગણી શકાય નહીં. આ તારણના આધારે હાઈકોર્ટે જોધપુરના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR અને તેને સંબંધિત સમગ્ર કાર્યવાહી રદ કરવાનો આદેશ આપ્યો હતો.
કોર્ટમાં શિવાલીક તરફથી રજૂ થયેલા સિનિયર એડવોકેટે દલીલ કરી હતી કે બંને પક્ષો પુખ્ત, શિક્ષિત અને પરિપક્વ છે. સગાઈ બાદ બંનેની સંમતિથી સંબંધ બંધાયા હતા. વધુમાં, સંબંધોમાં ખટરાગ આવ્યા બાદ પણ બંને વચ્ચે લાંબા સમય સુધી વોટ્સએપ પર સામાન્ય વાતચીત તથા આર્થિક લેવડ-દેવડ ચાલુ રહી હતી. તેથી લગ્નની ખોટી લાલચ આપીને સંબંધ બાંધવામાં આવ્યો હોવાનો દાવો પાયાવિહોણો છે. આ દલીલને ધ્યાનમાં રાખીને કોર્ટે રાહત આપી હતી.
શિવાલીક શર્માએ વર્ષ 2018-19માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. રણજી ટ્રોફીમાં વડોદરાની ટીમ તરફથી સતત શાનદાર પ્રદર્શન કર્યા બાદ તેની પ્રતિભાને ઓળખીને વર્ષ 2024ની IPL હરાજીમાં મુંબઈ ઈન્ડિયન્સે તેને ખરીદ્યો હતો. ક્રિકેટ જગતમાં ઉભરતા આ યુવા ખેલાડી પરથી દુષ્કર્મનો કેસ રદ થતાં તેની કારકિર્દી સામે ઊભી થયેલી અડચણ દૂર થઈ છે.