રાજસ્થાન હાઈકોર્ટે જમીન સંબંધિત એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે, દાદાની વસિયત વિનાની મિલકત જ્યારે પુત્રને મળે, ત્યારે તે તેની અંગત મિલકત ગણાય. એવી મિલકત પર પૌત્ર પોતાનો જન્મસિદ્ધ કે પેતૃક અધિકાર દર્શાવી શકતો નથી.
આ કેસ રાજસ્થાનના જેસલમેરની 75 વીઘા જમીન સાથે જોડાયેલો છે. રાજસ્થાન લેન્ડ રેવન્યુ એક્ટ, 1956 હેઠળ સરકારે આ જમીન ચુતરા રામને ફાળવી હતી. 24 એપ્રિલ 2004ના રોજ ચુતરા રામનું વસિયતનામું બનાવ્યા વગર નિધન થયું. તેમના અવસાન બાદ જમીન તેમના ત્રણ પુત્રો ખેતારામ, રામારામ અને લચ્છુરામ વચ્ચે સરખા ભાગે વહેંચાઈ ગઈ.
દાદાના અવસાનના લગભગ 21 વર્ષ પછી, 17 એપ્રિલ 2025ના રોજ ખેતારામે તેના ભાઈઓ સાથે મળીને આ જમીન મધ્ય પ્રદેશના એક ખરીદદારને વેચી. ખેતારામના પુત્ર દેવારામે આ વેચાણનો વિરોધ કરતાં દાવો કર્યો કે જમીનમાં તેનો પણ 1/9 ભાગ છે અને તેની મંજૂરી વિના જમીન વેચી શકાય નહીં. આ મામલો રાજસ્થાન હાઈકોર્ટમાં પહોંચ્યો, પરંતુ 20 ઓગસ્ટ 2026ના રોજ હાઈકોર્ટે દેવારામની અપીલ ફગાવી દીધી.
કોર્ટ સમક્ષ મુખ્ય પ્રશ્ન હતો કે, ચુતરા રામની જમીન દેવારામ માટે પેતૃક સંપત્તિ ગણાય કે નહીં. કોર્ટે નોંધ્યું કે, દેવારામ એ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો કે આ જમીન હિન્દુ અવિભક્ત પરિવાર (HUF)ની મિલકત હતી અથવા ચુતરા રામે તેને HUFના કર્તા તરીકે રાખી હતી. માત્ર પરિવારમાં જમીન દાદા પાસેથી પિતા અને પછી પુત્ર પાસે આવે એટલે તે આપોઆપ પેતૃક સંપત્તિ બની જતી નથી.
કોર્ટે જણાવ્યું કે, હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ, 1956ની કલમ 8 હેઠળ મિલકત પુત્રને તેની વ્યક્તિગત ક્ષમતામાં મળે છે. તેથી પિતા ખેતારામના જીવતેજીવ દેવારામ તે હિસ્સા પર જન્મસિદ્ધ અધિકાર દર્શાવી શકે નહીં.
સુનાવણી દરમિયાન દેવારામે દલીલ કરી હતી કે, દાદાનું અવસાન થયું ત્યારે તે સગીર હતો. કોર્ટે આ દલીલ પણ ફગાવી દીધી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, વારસદારનું સગીર હોવું એ વારસાઈ હક ખૂલવાની કે મિલકત કાનૂની રીતે વારસદારોને ટ્રાન્સફર થવાની પ્રક્રિયાને બદલી શકતું નથી.
કોર્ટે સુપ્રીમ કોર્ટના ઉત્તમ વિ. સૌભાગ સિંહ (2016) ચુકાદાના સિદ્ધાંતોનો પણ સંદર્ભ આપ્યો. આ ચુકાદાથી સ્પષ્ટ થાય છે કે, દાદા પાસેથી પિતાને મળેલી દરેક મિલકત પૌત્ર માટે પેતૃક સંપત્તિ હોતી નથી. જો પિતાને મિલકત કલમ 8 મુજબ મળી હોય અને તે HUF સાબિત ન થાય, તો પિતા તેનો પૂર્ણ માલિક ગણાય.