સત્ય. સાહસ. સંકલ્પ.

રાજસ્થાનમાં ક્રશર વિવાદ ઉગ્ર: ભાજપના પૂર્વ ધારાસભ્ય અતર સિંહ ભડાનાનું હુમલામાં મોત

રાજસ્થાનમાં ક્રશર વિવાદ ઉગ્ર: ભાજપના પૂર્વ ધારાસભ્ય અતર સિંહ ભડાનાનું હુમલામાં મોત

રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં ક્રશર પ્લાન્ટને લઈને ચાલી રહેલો વિવાદ રવિવારે મોડી સાંજે હિંસક સંઘર્ષમાં પરિવર્તિત થઈ ગયો. બયાનાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા અતર સિંહ ભડાનાનું લાઠી-પથ્થરો વડે થયેલા હુમલામાં મોત નીપજ્યું છે. આક્ષેપ છે કે વેર પોલીસ સ્ટેશન વિસ્તારના ભોંડા ગામમાં આવેલા ક્રશર પ્લાન્ટ પર હાજર ભડાના અને તેમના સાથીઓ પર 70થી 80 લોકોના ટોળાએ હુમલો કર્યો. ગંભીર રીતે ઘાયલ થયેલા ભડાનાનું જયપુરની એસએમએસ હોસ્પિટલમાં રાત્રે આશરે 11:30 વાગ્યે અવસાન થયું. ઘટના બાદ ગામમાં તણાવ છે અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

રવિવાર સાંજે આશરે 6:30 વાગ્યે અતર સિંહ ભડાના ભોંડા ગામ સ્થિત પોતાના ક્રશર પ્લાન્ટ પર હાજર હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, લગભગ એક વર્ષથી બંધ પડેલા આ ક્રશરને ફરી ચાલુ કરાવવાના પ્રયાસો ચાલી રહ્યા હતા. તે જ સમયે ગ્રામજનો અને ભડાના પક્ષ વચ્ચે વિવાદ ઉગ્ર બન્યો અને મામલો મારામારી સુધી પહોંચી ગયો.

આક્ષેપ છે કે આ દરમિયાન મોટી સંખ્યામાં આવેલા લોકોએ લાઠી અને પથ્થરોથી હુમલો કર્યો. આ સંઘર્ષમાં અતર સિંહ ભડાના અને તેમના સાથી ગગન શર્મા ગંભીર રીતે ઘાયલ થયા. બંનેને પહેલા વેર ઉપ-જિલ્લા હોસ્પિટલ લઈ જવાયા, જ્યાંથી સ્થિતિ ગંભીર હોવાથી ભડાનાને જયપુર અને ગગન શર્માને ભરતપુર રિફર કરાયા. જયપુરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન ભડાનાનું મોત થયું.

પૂર્વ ધારાસભ્યના પત્ની કમલેશે પોલીસ અને પ્રશાસન પર નિષ્ક્રિયતાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે ક્રશરની લીઝનું વીજ કનેક્શન કાપવા, વોટર પંપ બગાડવા અને લોકોને ભગાડવા અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં કાર્યવાહી થઈ નહીં. તેમણે દાવો કર્યો કે રવિવારે સાંજે 70-80 લોકોના ટોળાએ હુમલો કર્યો અને ભડાનાને ગોળી વાગી હતી. જોકે, ડૉક્ટરોએ પ્રાથમિક તપાસમાં ગોળી વાગવાનો ઇનકાર કર્યો છે અને પોલીસ આ મુદ્દે તપાસ કરી રહી છે.

પોલીસ સ્ટેશનના પ્રભારીના જણાવ્યા મુજબ, આ ઘટના પાછળ ચાર વર્ષ જૂનો ક્રશર પ્લાન્ટ વિવાદ જવાબદાર છે. ગ્રામજનોનો આક્ષેપ હતો કે પશુઓના ચરવાની જમીન પર કબ્જો, ગેરકાયદે ખનન અને રસ્તા બાબતે વિવાદ ચાલી રહ્યો છે, જેના કારણે તેઓ બે વર્ષથી ધરણા કરતા હતા. છેલ્લા એક વર્ષથી બંધ ક્રશરને રવિવારે ભડાના ફરી શરૂ કરવા પહોંચતા જૂનો વિવાદ ફરી ભડકી ઉઠ્યો.

બંને પક્ષોના દાવા અલગ-અલગ છે. ગ્રામજનોનું કહેવું છે કે તેઓ છેલ્લા 10-15 દિવસથી શાંતિપૂર્વક ધરણા પર બેઠા હતા. રવિવારે સાંજે ભડાના પક્ષના 40-50 લોકો ત્યાં પહોંચ્યા અને તેમને ધરણા સ્થળેથી હટાવ્યા. આને લઈને વિવાદ વધ્યો અને બંને તરફથી લાઠી-પથ્થરમારો શરૂ થયો, જેમાં ભડાના ગંભીર રીતે ઘાયલ થયા.

પોલીસ પ્રભારીના જણાવ્યા મુજબ ઘટના અંગે અગાઉ કોઈ ફરિયાદ થઈ નહોતી. ઘટના સમયે પ્લાન્ટ પર 20-25 કર્મચારીઓ હાજર હતા. વેર હોસ્પિટલના ડૉક્ટરે જણાવ્યું કે ઘાયલોને પ્રાથમિક સારવાર આપી રિફર કરાયા. પૂર્વ ધારાસભ્યના મોતથી વિસ્તારમાં તણાવ વધતાં પોલીસ તૈનાત કરાઈ છે.