સત્ય. સાહસ. સંકલ્પ.

રાજસ્થાન ચૂંટણીમાં ઉલટફેર: વસુંધરા રાજેના ગઢ ઝાલાવાડમાં કોંગ્રેસનો વિજય

રાજસ્થાન ચૂંટણીમાં ઉલટફેર: વસુંધરા રાજેના ગઢ ઝાલાવાડમાં કોંગ્રેસનો વિજય

રાજસ્થાનની સ્થાનિક ચૂંટણી 2026માં કોંગ્રેસે ઝાલાવાડ નગર પરિષદમાં ઐતિહાસિક વિજય મેળવ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના ગઢ ગણાતા ઝાલાવાડમાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. કુલ 45 વોર્ડમાંથી કોંગ્રેસે 29 બેઠકો જીતી સ્પષ્ટ બહુમતી મેળવી છે. ભાજપ માત્ર 13 બેઠકો પર સમેટાઈ ગયું છે, જ્યારે બે બેઠકો અપક્ષ અને એક બેઠક આમ આદમી પાર્ટી (AAP)ને મળી છે. આ પરિણામો રાજે પરિવારના દાયકાઓના પ્રભુત્વને પડકાર ફેંકે છે.

ઝાલાવાડ અને ઝાલરાપાટન વિસ્તાર દાયકાઓથી વસુંધરા રાજે અને તેમના પુત્ર તથા વર્તમાન સાંસદ દુષ્યંત સિંહનો રાજકીય ગઢ રહ્યો છે. આ વિસ્તાર ઝાલાવાડ-બારા લોકસભા સીટ હેઠળ આવે છે, જ્યાંથી દુષ્યંત સિંહ સતત સાંસદ તરીકે ચૂંટાઈ રહ્યા છે. આ અગાઉ ખુદ વસુંધરા રાજે પણ આ લોકસભા બેઠક પરથી 5 વખત સાંસદ રહી ચૂક્યા છે.

સ્થાનિક રાજકીય વર્તુળો મુજબ, ઉમેદવારોની પસંદગીમાં આંતરિક અસંતોષ અને જૂથબંધી ભાજપના આ નબળા પ્રદર્શન પાછળનું મુખ્ય કારણ મનાઈ રહ્યું છે.

સમગ્ર જિલ્લાની 8 પાલિકાઓમાં કોંગ્રેસે 4માં અને ભાજપે 3માં બહુમતી મેળવી છે. વસુંધરા રાજેના પોતાના વિધાનસભા ક્ષેત્ર ઝાલરાપાટનમાં ભાજપે 22 બેઠકો જીતીને પોતાની શાખ બચાવી રાખી છે, જ્યારે અકલેરા અને મનોહરથાનામાં પણ ભાજપનું બોર્ડ બનવા જઈ રહ્યું છે. બીજી તરફ પિડાવા નગરપાલિકામાં કોઈપણ પક્ષને સ્પષ્ટ જનાદેશ મળ્યો નથી, જ્યાં આમ આદમી પાર્ટી કિંગમેકરની ભૂમિકામાં આવી ગઈ છે.