સત્ય. સાહસ. સંકલ્પ.

રાજસ્થાન ચૂંટણી પરિણામ: અજમેરમાં 36 વર્ષ પછી ભાજપનો ગઢ તૂટ્યો, 10 મનપામાં કાંટાની ટક્કર

રાજસ્થાન ચૂંટણી પરિણામ: અજમેરમાં 36 વર્ષ પછી ભાજપનો ગઢ તૂટ્યો, 10 મનપામાં કાંટાની ટક્કર

રાજસ્થાનમાં શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના પરિણામો સોમવારે જાહેર થયા છે. આ પરિણામોએ રાજ્યના શહેરી રાજકારણમાં મોટો ફેરફાર કર્યો છે. સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને વિરોધ પક્ષ કૉંગ્રેસ, બંને માટે આ પરિણામો મિશ્ર રહ્યા છે.

રાત્રે 8:30 વાગ્યા સુધીમાં જાહેર થયેલા 10,244 વોર્ડ પૈકી 10,235 વોર્ડના પરિણામો મુજબ, ભાજપ 4,179 બેઠકો સાથે આગળ છે. કૉંગ્રેસે 3,613 બેઠકો જીતી છે. આ ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોએ 2,273 બેઠકો પર વિજય મેળવ્યો છે. બાકીની બેઠકો RLP, BSP, BAP, CPIM અને આમ આદમી પાર્ટી જેવા નાના પક્ષોને મળી છે.

ભાજપે જયપુર, કોટા અને અલવર જેવા મુખ્ય શહેરોમાં પોતાની સરસાઈ જાળવી રાખી છે. બીજી તરફ, કૉંગ્રેસે 36 વર્ષ પછી ભાજપના ગઢ ગણાતા અજમેરમાં ઐતિહાસિક વિજય મેળવ્યો છે. ઉદયપુર અને ભીલવાડામાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી છે. બીકાનેરમાં કૉંગ્રેસે સ્પષ્ટ બહુમતી મેળવી છે, જ્યારે અજમેર અને પાલીમાં કૉંગ્રેસ સૌથી મોટો પક્ષ બન્યો છે. પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના ગૃહ નગર ઝાલાવાડમાં પણ કૉંગ્રેસે વિજય મેળવ્યો છે. ટાઈભરતપુરમાં અપક્ષ ઉમેદવારોએ સૌથી મજબૂત પ્રદર્શન કર્યું છે, જ્યારે જોધપુરમાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે લગભગ સરખી બેઠકો સાથે ટાઈ જેવી સ્થિતિ છે.

રાજ્ય ચૂંટણી પંચના આંકડા મુજબ, અજમેરમાં ભાજપ 36 વર્ષ પછી ચૂંટણી હારી ગયું છે. અજમેરના 80 વોર્ડમાંથી કૉંગ્રેસે 37 બેઠકો જીતીને સૌથી મોટો પક્ષ બનવાનું ગૌરવ મેળવ્યું છે. ભાજપને 32 અને અપક્ષોને 11 બેઠકો મળી છે. ગત ચૂંટણીમાં ભાજપને 48 બેઠકો મળી હતી અને કૉંગ્રેસ માત્ર 18 બેઠકો પર અટકી ગઈ હતી.

જયપુર મહાનગરપાલિકાના 150 વોર્ડમાં ભાજપ સ્પષ્ટ બહુમતીથી માત્ર એક બેઠક દૂર રહી ગયું છે. ભાજપે 75 વોર્ડમાં જીત મેળવી છે, જ્યારે કૉંગ્રેસને 50 અને અપક્ષોને 12 બેઠકો મળી છે. કૉંગ્રેસ છોડીને ભાજપની ટિકિટ પર લડેલા જયપુરના પૂર્વ મેયર જ્યોતિ ખંડેલવાલ કૉંગ્રેસના ઉમેદવાર સુનિતા મેથી સામે હારી ગયા છે. ભાજપના સુનીલ કોઠારી, જેઓ મેયર પદના પ્રબળ દાવેદાર માનવામાં આવે છે, તેમણે પોતાની બેઠક જીતી લીધી છે.

મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ કહ્યું, 'રાજસ્થાનની જનતાએ વિકસિત ભારત-વિકસિત રાજસ્થાનના સંકલ્પને સ્વીકાર્યો છે. આ પરિણામો ભાજપના શાસન અને વિકાસ એજન્ડામાં જનતાના વધતા વિશ્વાસને દર્શાવે છે.' પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ ગોવિંદ સિંહ ડોટાસરાએ જણાવ્યું, 'આ ચૂંટણીએ દર્શાવી દીધું છે કે જે તફાવત અગાઉ લગભગ આઠ ટકા જેટલો રહેતો હતો, તે હવે ઘટીને માત્ર એક ટકાની આસપાસ આવી ગયો છે.'

અન્ય એક રસપ્રદ બાબતમાં, ડિડવાના-કુચામન જિલ્લાની પરબતસર નગરપાલિકાના વોર્ડ 13 માંથી લડનારા ભાજપના ઉમેદવાર કૈલાશચંદને ફક્ત 1 મત મળ્યો હતો. તેવી જ રીતે, નાગૌર જિલ્લાની રિયાંબડી નગરપાલિકાના વોર્ડ 15 માંથી ચૂંટણી લડનારા કૉંગ્રેસના ઉમેદવારને પણ માત્ર 1 જ મત મળ્યો હતો.