સત્ય. સાહસ. સંકલ્પ.

રાજસ્થાનમાં ચોંકાવનારું પરિણામ: ભાજપ ઉમેદવારને મળ્યો માત્ર 1 વોટ

રાજસ્થાનમાં ચોંકાવનારું પરિણામ: ભાજપ ઉમેદવારને મળ્યો માત્ર 1 વોટ

રાજસ્થાનના ડીડવાના-કુચામન જિલ્લાની પરબતસર નગરપાલિકા ચૂંટણીમાં એક ચોંકાવનારું પરિણામ સામે આવ્યું છે. વોર્ડ નંબર 13માંથી ભાજપના ઉમેદવાર કૈલાશ ચંદ્રને માત્ર 1 વોટ મળ્યો છે. એટલું જ નહીં, વોર્ડ નંબર 20માંથી રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (RLP)ના ઉમેદવાર ભંવરલાલ પણ માત્ર 1 વોટ જ મેળવી શક્યા હતા.

ભાજપના ઉમેદવાર કૈલાશ ચંદ્ર વાસ્તવમાં વોર્ડ નંબર 12ના મતદાર છે, પરંતુ ભાજપે તેમને વોર્ડ નંબર 13માંથી ટિકિટ આપી હતી. કૈલાશ ચંદ્ર અને તેમનો પરિવાર બંને વોર્ડ નંબર 12ના મતદાર હોવાથી તેઓ પોતાને મત આપી શક્યા નહોતા. આથી તેમને આખા વોર્ડમાંથી માત્ર 1 વોટ મળ્યો.

આ વોર્ડમાં કોંગ્રેસના હિના ખાનમને 376 વોટ મળ્યા હતા, જ્યારે અપક્ષ ઉમેદવાર રસીદ ખાંને 195 વોટ મળ્યા હતા. સ્થાનિક સ્તરે ચર્ચા એવી છે કે આ વોર્ડમાં ભાજપને યોગ્ય ઉમેદવાર મળતો નહોતો અને કોંગ્રેસને બિનહરીફ જીતતી રોકવા માટે પક્ષે કૈલાશ ચંદ્રને ફોર્મ ભરવા જણાવ્યું હતું.

આવી જ સ્થિતિ વોર્ડ નંબર 20માં પણ જોવા મળી, જ્યાં RLPના ઉમેદવાર ભંવરલાલને માત્ર 1 વોટ મળ્યો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપ જેવા મોટા રાષ્ટ્રીય પક્ષ અને RLPના ઉમેદવારો માત્ર 1-1 વોટ સુધી સીમિત રહેતાં પાર્ટી સંગઠન અને ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પર સવાલો ઊભા થયા છે.