રણજી ટ્રોફી 2026માં રાજસ્થાન અને રેલવે વચ્ચેની મેચમાં એક અનોખી ઘટના બની છે. રાજસ્થાનના બે બેટ્સમેન સચિન યાદવ અને કરણ લામ્બા બંને 194 રનના સમાન વ્યક્તિગત સ્કોર પર આઉટ થયા, અને બંને થોડા જ રનથી પોતાની બેવડી સદી ચૂકી ગયા.
સચિન યાદવે 358 બોલમાં 22 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 194 રન બનાવ્યા. તે રાજ ચૌધરીની ઓવરમાં આઉટ થયો. કરણ લામ્બાએ 284 બોલમાં 19 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારીને 194 રન બનાવ્યા અને કુણાલ યાદવની ઓવરમાં આઉટ થયો.
એક જ ઇનિંગ્સમાં બે બેટ્સમેન 194 રન બનાવીને આઉટ થાય તેવી ઘટના ક્રિકેટના ઇતિહાસમાં ભાગ્યે જ જોવા મળે છે. આ બંનેની ઇનિંગ્સની મદદથી રાજસ્થાને પ્રથમ ઇનિંગ્સમાં 497 રન બનાવ્યા હતા.
રેલવે તરફથી આદર્શ સિંહ, કુણાલ યાદવ અને રાજ ચૌધરીએ 3-3 વિકેટ લીધી હતી.
જવાબમાં રેલવેએ બીજા દિવસની રમત પૂરી થયે 24 ઓવરમાં 1 વિકેટે 46 રન બનાવ્યા છે. રાજસ્થાન તરફથી મોહિત ચાંગરાને 1 વિકેટ મળી છે. રેલવે હજુ પણ રાજસ્થાનથી 451 રન પાછળ છે.