સત્ય. સાહસ. સંકલ્પ.

મુંબઈમાં 'ગર્જના માર્ચ': રાજ ઠાકરેએ બેલેટ પેપરથી ચૂંટણીની માંગ કરી, 6 મહિનામાં 40 લાખ મતદારો વધવા પર સવાલ

મુંબઈમાં 'ગર્જના માર્ચ': રાજ ઠાકરેએ બેલેટ પેપરથી ચૂંટણીની માંગ કરી, 6 મહિનામાં 40 લાખ મતદારો વધવા પર સવાલ

મુંબઈમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે અને શિવસેના (UBT)ના સંયુક્ત નેતૃત્વમાં 'ગર્જના માર્ચ' યોજવામાં આવી હતી. આ માર્ચ ચૂંટણી પંચ સામે મતદાર યાદીમાં થયેલી કથિત ગેરરીતિઓ અને 'વોટ ચોરી'ના મુદ્દે કાઢવામાં આવી હતી.

રાજ ઠાકરેએ આ માર્ચમાં કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ચૂંટણી પંચ સમક્ષ બે મુખ્ય માગણીઓ મૂકી હતી. પહેલી માગણી એ હતી કે મતદાર યાદી સુધારણાની અત્યાર સુધીની સમગ્ર કામગીરી શંકાસ્પદ હોવાથી તેને તાત્કાલિક રદ કરવામાં આવે. બીજી માગણી એ હતી કે ઇલેક્ટ્રોનિક વોટિંગ પરથી લોકોનો ભરોસો ઊઠી ગયો હોવાથી દેશમાં ફરીથી બેલેટ પેપર દ્વારા મતદાન શરૂ કરવામાં આવે.

રાજ ઠાકરે 2018-19માં પોતાના પ્રયાસોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેમણે તે સમયે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરીને ચૂંટણીનો બહિષ્કાર કરવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે દેશમાં મતોની ખુલ્લેઆમ ચોરી થઈ રહી છે, તેથી તમામ વિપક્ષોએ સાથે મળીને ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવો જોઈએ.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો અને મતદાર યાદીના આંકડાઓ સામે મૂકતાં ઠાકરેએ ગંભીર શંકા વ્યક્ત કરી હતી. તેમણે સવાલ ઉઠાવ્યો કે ચૂંટણીમાં પૂર્ણ બહુમતી મળવા છતાં સમગ્ર મહારાષ્ટ્રમાં સ્મશાનવત સન્નાટો કેમ હતો? લોકોમાં કોઈ ઉત્સાહ નહોતો. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી અને વિધાનસભા ચૂંટણી વચ્ચે માત્ર 6 મહિનાનો સમય હતો અને આ ગાળામાં મતદારોની સંખ્યામાં 40 લાખથી 60 લાખનો વધારો કેવી રીતે થયો? એવું તે શું બન્યું કે અચાનક આટલા લાખો વોટ ઉમેરાઈ ગયા?

ચૂંટણી પંચ ઉપરાંત રાજ ઠાકરેએ કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે દેશના જંગલો, એરપોર્ટ અને બંદરો જેવી રાષ્ટ્રીય સંપત્તિઓ માત્ર એક જ ઉદ્યોગપતિને સોંપવામાં આવી રહી છે. આટલી બધી સત્તા અને તાકાત ક્યાંથી આવી રહી છે? તેમણે ઉમેર્યું કે કોંગ્રેસના શાસનકાળમાં પણ દેશના અનેક ઉદ્યોગપતિઓ આગળ વધ્યા હતા, પરંતુ વર્તમાન શાસનમાં એક જ ચોક્કસ ઉદ્યોગપતિને અઢળક ફાયદો પહોંચાડવામાં આવી રહ્યો છે.

અંતમાં રાજ ઠાકરેએ કહ્યું કે પ્રજા ગમે તેટલા વિરોધ પ્રદર્શનો કરે, મોરચા કાઢે કે અવાજ ઉઠાવે, પણ સરકાર સંવેદનહિન થઈ ગઈ છે.