ઓનલાઈન છેતરપિંડીના કિસ્સા સતત વધી રહ્યા છે. સાયબર ઠગ લોકોના મોબાઇલ પર અલગ-અલગ બહાનાં બનાવીને લિંક મોકલે છે અને લોકો અજાણતાં તેના પર ક્લિક કરી દે છે. હવે ઠગ રેલવે ટિકિટ બુકિંગ, રિફંડ અને KYC અપડેટના નામે પણ ફેક લિંક અને મેસેજ મોકલીને લોકોને છેતરી રહ્યા છે.
આ સ્થિતિને ધ્યાનમાં રાખીને પશ્ચિમ મધ્ય રેલવેના કોટા ડિવિઝને તેના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને મુસાફરોને સતર્ક રહેવાની સલાહ આપી છે. પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે ટિકિટ, રિફંડ કે KYCના નામે આવતી અજાણી લિંક અને APK ફાઇલથી સાવધ રહેવું જોઈએ. એપ હંમેશાં સત્તાવાર એપ સ્ટોર પરથી જ ડાઉનલોડ કરવી જોઈએ અને OTP કોઈની સાથે શેર કરવો ન જોઈએ.
સાયબર ઠગ ટિકિટ રિફંડ અપાવવાના નામે ફેક લિંક મોકલી શકે છે. આ લિંક દ્વારા તમને APK ફાઇલ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવે છે. જો તમે ઠગ દ્વારા મોકલવામાં આવેલી લિંક પર ક્લિક કરીને આવી ફાઇલ ડાઉનલોડ કરો છો, તો તમારા મોબાઇલની સુરક્ષા જોખમમાં આવી શકે છે. તેના કારણે તમારી અંગત માહિતી અને બેંકિંગ વિગતોનો દુરુપયોગ થઈ શકે છે. તેથી કોઈપણ અજાણી લિંક પર ક્લિક કરતાં પહેલાં તેની વિશ્વસનીયતા ચકાસવી જરૂરી છે.
રેલવેની સલાહ મુજબ ધ્યાન રાખવા જેવી બાબતો:
• રેલવે સંબંધિત કોઈપણ સુવિધા માટે અજાણી લિંક પરથી એપ ડાઉનલોડ કરવી નહીં. એપ હંમેશાં સત્તાવાર એપ સ્ટોર પરથી જ લેવી.
• અજાણી વ્યક્તિ દ્વારા મોકલવામાં આવેલા ઈ-મેઇલ, મેસેજ કે લિંક પર વિશ્વાસ કરવો નહીં.
• કોઈપણ APK ફાઇલ ડાઉનલોડ કરતાં પહેલાં તેની વિશ્વસનીયતા ચકાસવી.
• ટિકિટ રિફંડ કે KYC અપડેટના નામે માંગવામાં આવતી બેંકિંગ વિગતો કે OTP કોઈની સાથે શેર ન કરવા.
રેલવેએ મુસાફરોને ખાસ સલાહ આપી છે કે ઓનલાઈન આવતા કોઈપણ ફેક મેસેજ કે લિંક પર વિશ્વાસ ન કરવો. ઉતાવળમાં કોઈ લિંક ખોલવાથી મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે. થોડીક સાવચેતી રાખીને સાયબર છેતરપિંડીનો ભોગ બનવાથી બચી શકાય છે.