ભારતીય રેલવે મુસાફરો માટે એક ઉપયોગી ફેરફાર કરવામાં આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે રેલવે સ્ટેશનના કાઉન્ટર પરથી રિઝર્વેશન ટિકિટ ખરીદનારા મુસાફરોને પણ યાત્રા વીમા કવચનો લાભ મળશે. આ નવી વ્યવસ્થા 27 ઓક્ટોબર 2026થી લાગુ કરવામાં આવશે.
અત્યાર સુધી આ સુવિધા માત્ર IRCTCની વેબસાઇટ કે મોબાઇલ એપ પરથી ટિકિટ બુક કરાવનારા મુસાફરોને જ મળતી હતી. કાઉન્ટર પરથી સીધી ટિકિટ લેનારા લોકો આ સુરક્ષાથી વંચિત રહેતા હતા. નવા નિર્ણયથી ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ ન કરતા સામાન્ય મુસાફરોને પણ સમાન સુરક્ષા મળશે અને ઓનલાઇન તથા ઑફલાઇન ટિકિટ વચ્ચેનો ભેદ દૂર થશે.
હાલના નિયમ મુજબ મુસાફર દીઠ માત્ર 45 પૈસાના પ્રીમિયમમાં મુસાફરી દરમિયાન અકસ્માત, મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્સામાં 10 લાખ રૂપિયા સુધીનું વીમા કવચ મળે છે. કાઉન્ટરની ટિકિટ માટે પ્રીમિયમનો ચોક્કસ દર, જરૂરી દસ્તાવેજો અને ક્લેમની પ્રક્રિયા અંગે રેલવે ટૂંક સમયમાં સત્તાવાર માર્ગદર્શિકા જાહેર કરશે.
જૂન 2023માં ઓડિશામાં થયેલા ભયાનક ટ્રેન અકસ્માત બાદ રેલવે સુરક્ષા મુદ્દે ચાલી રહેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ નિર્દેશ આપ્યો હતો. જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ આર. મહાદેવનની બેંચે ઑફલાઇન મુસાફરોને વીમો આપવામાં થઈ રહેલા વિલંબ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે રેલવે બોર્ડને સ્પષ્ટ કહ્યું છે કે 27 ઓક્ટોબર સુધીમાં આ સુવિધા ફરજિયાતપણે લાગુ કરવી પડશે, નહીં તો બોર્ડ સામે સીધી જવાબદારી નક્કી થશે.