ટ્રેનમાં મુસાફરી કરતી વખતે સામાન ચોરાઈ જવાના મામલામાં દિલ્હી રાજ્ય ગ્રાહક વિવાદ નિવારણ આયોગે ભારતીય રેલવે વિરુદ્ધ ચુકાદો આપ્યો છે. આ ચુકાદો એવા મુસાફરો માટે મહત્ત્વનો છે જેમનો સામાન રેલવેમાં ચોરાયો હોય અને રેલવે જવાબદારી લેવાનો ઇનકાર કરી રહ્યું હોય.
ઘટના 7 જૂન, 2014ની છે. અજય કુમાર મહાનંદા એક્સપ્રેસમાં દિલ્હીથી પટના જઈ રહ્યા હતા. ઓલ્ડ દિલ્હી રેલવે સ્ટેશન પર અજાણ્યા શખ્સો તેમના રિઝર્વ્ડ ડબ્બામાં ઘૂસી આવ્યા અને 1.20 લાખ રૂપિયાની કિંમતના સાડીઓ, ઘરેણાં અને કપડાં ભરેલી ટ્રોલી બેગ ચોરીને ફરાર થઈ ગયા.
ઘટના બાદ અજય કુમારે તાત્કાલિક TTE અને રેલવે પોલીસ (RPF)નો સંપર્ક કર્યો. પરંતુ 23 એપ્રિલ 2015ના રોજ FIR દાખલ કરવામાં આવી અને 15 મે, 2017ના રોજ આ કેસ 'અણઉકેલાયેલો' જાહેર કરી દેવામાં આવ્યો.
રેલવેએ દલીલ કરી હતી કે સામાન પેસેન્જરની પોતાની દેખરેખ હેઠળ હતો અને તે રેલવે પાસે જમા કરાવાયો નહોતો, તેથી જવાબદારી રેલવેની બનતી નથી. જિલ્લા આયોગના આદેશને રેલવેએ દિલ્હી આયોગમાં પડકાર્યો હતો.
પરંતુ દિલ્હી આયોગે આ દલીલ ફગાવી દેતાં સ્પષ્ટ કર્યું કે સાચી સમસ્યા રિઝર્વ્ડ કોચમાં બિનઅધિકૃત લોકોના પ્રવેશને રોકવામાં રેલવેની નિષ્ફળતા છે. બે અજાણ્યા શખ્સો રિઝર્વ્ડ ડબ્બામાં ઘૂસ્યા બાદ જ પેસેન્જરની બેગ ચોરાઈ હતી. આમ, સુરક્ષામાં થયેલી ગંભીર બેદરકારી બદલ રેલવેને જવાબદાર ઠેરવવામાં આવી છે.
આયોગે રેલવેની અરજી ફગાવી દીધી અને પેસેન્જરને 7 સપ્ટેમ્બર 2017થી 9 ટકા વાર્ષિક વ્યાજ સાથે 1.20 લાખ રૂપિયા અને વધારાના 25,000 રૂપિયા વળતર પેટે ચૂકવવાનો આદેશ યથાવત રાખ્યો.
આ ચુકાદો દર્શાવે છે કે રેલવે એવું કહીને પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં કે સામાન પેસેન્જરની વ્યક્તિગત કસ્ટડીમાં હતો. રિઝર્વ્ડ કોચમાં અનધિકૃત પ્રવેશ રોકવો એ રેલવેની જવાબદારી છે.