સત્ય. સાહસ. સંકલ્પ.

ટ્રેનમાં નીચલી બર્થ કોને મળે? જાણો રેલવેનો આરક્ષણ નિયમ

ટ્રેનમાં નીચલી બર્થ કોને મળે? જાણો રેલવેનો આરક્ષણ નિયમ

ટ્રેનની મુસાફરી દરમિયાન મોટાભાગના મુસાફરો લોઅર બર્થ પસંદ કરે છે, કારણ કે તે વધુ આરામદાયક હોય છે અને બારીની બહારનું દૃશ્ય પણ માણી શકાય છે. પરંતુ શું તમે જાણો છો કે આ નીચલી બર્થ કોને મળે છે? રેલવેમાં કેટલીક શ્રેણીના મુસાફરોને પ્રાથમિકતા આપવામાં આવે છે.

વરિષ્ઠ નાગરિકો માટે : વૃદ્ધ મુસાફરોને ઉપર-નીચે ચઢવામાં તકલીફ ન પડે તે માટે રેલવે તેમને નીચલી બર્થ આપવાનો પ્રયાસ કરે છે. જો બર્થ ઉપલબ્ધ હોય, તો આરક્ષણ પ્રણાલી તેમને પ્રાથમિકતા આપે છે, પરંતુ તે હંમેશા શક્ય નથી.

સગર્ભા સ્ત્રીઓ અને 45 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ માટે પણ આ જ પ્રાથમિકતા છે. રેલવેના નિયમો અનુસાર, વરિષ્ઠ નાગરિકો, 45 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ અને ગર્ભવતી મહિલાઓ માટે લોઅર બર્થનો સંયુક્ત ક્વોટા નક્કી કરાયો છે.

હાલમાં સ્લીપર ક્લાસમાં પ્રતિ કોચ 6-7, 3ACમાં 4-5 અને 2ACમાં 3-4 નીચલી બર્થ આ મુસાફરો માટે અનામત રાખવામાં આવે છે. જોકે, કોચની સંખ્યા પ્રમાણે આ સંખ્યા બદલાઈ શકે છે.

વિકલાંગ મુસાફરો માટે પણ ખાસ વ્યવસ્થા છે. મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં વિકલાંગ મુસાફરો અને તેમના સાથીઓ માટે નીચલી અને મધ્યમ બર્થ આરક્ષિત હોય છે. જો ટ્રેન ચાલતી હોય ત્યારે નીચલી બર્થ ખાલી થાય, તો ટીસી તેને જરૂરિયાતમંદ મુસાફરોને ફાળવી શકે છે.

ઘણા મુસાફરોને લાગે છે કે બુકિંગ વખતે નીચલી બર્થ પસંદ કરવાથી તે ચોક્કસ મળશે, પરંતુ તે સાચું નથી. નીચલી બર્થની સંખ્યા મર્યાદિત હોવાથી અને માંગ વધુ હોવાથી, ઉપલબ્ધતા અને નિયમોના આધારે જ બર્થ ફાળવવામાં આવે છે. આ નિયમો જાણીને તમે આગલી વખતે ટિકિટ બુક કરતી વખતે વધુ વ્યવસ્થિત રીતે પ્લાન કરી શકશો.