સત્ય. સાહસ. સંકલ્પ.

રેલવે જનરલ ટિકિટ: સ્ક્રીનશોટ કે WhatsApp બતાવો તો 500 રૂપિયા દંડ

રેલવે જનરલ ટિકિટ: સ્ક્રીનશોટ કે WhatsApp બતાવો તો 500 રૂપિયા દંડ

ભારતીય રેલવેએ જનરલ ટિકિટ બાબતે નવી સ્પષ્ટતા કરી છે. હવે મુસાફરોએ પોતાના રજિસ્ટર્ડ ફોનમાં RailOne એપ ખોલીને જ ટિકિટ બતાવવી પડશે. WhatsApp પર મોકલેલી ટિકિટ કે સ્ક્રીનશોટ બતાવનારને અમાન્ય ગણીને 500 રૂપિયાનો દંડ થઈ શકે છે.

પશ્ચિમ રેલવે કોટા ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સૌરભ જૈને જણાવ્યું કે, RailOne એપ દ્વારા બુક કરાયેલી ટિકિટ જ માન્ય ગણાશે. આ ટિકિટ ફક્ત તે જ ફોનમાં માન્ય રહેશે જેમાં એપ રજિસ્ટર્ડ હોય. ચેકિંગ દરમિયાન એપ ખોલીને સીધી ટિકિટ બતાવવી ફરજિયાત છે.

જો કોઈ બીજાના ફોનમાંથી ટિકિટ લઈને તેનો સ્ક્રીનશોટ કે WhatsApp ફોરવર્ડ કરશે, તો તે અમાન્ય ગણાશે. ઘણી વખત મુસાફરો ટિકિટ લેવાનું ભૂલી જાય છે અને ચેકિંગ સ્ટાફને જોઈને છેલ્લી ઘડીએ મોબાઈલથી ટિકિટ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ નિયમ મુજબ, સ્ટેશને પહોંચતા પહેલાં જ ટિકિટ બુક થઈ જવી જોઈએ, નહીં તો તે માન્ય ગણાશે નહીં.

આ ઉપરાંત, મુસાફરી દરમિયાન ફોન ચાલુ અને પૂરતો ચાર્જ હોવો પણ જરૂરી છે. જો ફોન સ્વિચ ઓફ હોય અથવા ચાર્જ ખતમ થઈ ગયો હોય, તો ટિકિટ બતાવી ન શકવાથી મુસાફરને દંડ ભરવો પડી શકે છે.

રેલવે અધિકારીએ વધુમાં જણાવ્યું કે, અમાન્ય ટિકિટ સાથે મુસાફરી કરવા બદલ લઘુત્તમ દંડ 19 જૂન, 2026થી 250 રૂપિયાથી વધારીને 500 રૂપિયા કરવામાં આવ્યો છે.

મુસાફરોએ આ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે: મુસાફરી શરૂ કરતા પહેલાં જ માન્ય ટિકિટ લેવી. પોતાના રજિસ્ટર્ડ ફોન પર RailOne એપ દ્વારા જ જનરલ ટિકિટ બુક કરવી. ટિકિટ બુક કરવા માટે વપરાયેલો ફોન જ સાથે રાખવો. WhatsApp કે સ્ક્રીનશોટથી લીધેલી ટિકિટ અમાન્ય છે. રજિસ્ટર્ડ મોબાઈલમાં રહેલી ટિકિટ ફક્ત મૂળ ધારક માટે જ માન્ય છે. અને ફોન ચાર્જ રાખવો, જેથી ચેકિંગ વખતે ટિકિટ સરળતાથી બતાવી શકાય.