રેલવેના 1.82 લાખથી વધુ કર્મચારીઓએ પોતાના નામે રેશનકાર્ડ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. આ કર્મચારીઓ સરકારી નોકરીમાં સારો પગાર મેળવે છે, તેમછતાં તેમણે નિયમો વિરુદ્ધ રેશનકાર્ડ લઈને સસ્તા અનાજનો લાભ લીધો છે. રેલવે બોર્ડે આ મામલે કડક વલણ અપનાવ્યું છે અને તમામ રેશનકાર્ડની તપાસના આદેશ આપ્યા છે. જે કર્મચારીઓ પાત્રતા ધરાવતા નથી, તેમને તાત્કાલિક રેશનકાર્ડ સરેન્ડર કરવાની સૂચના આપવામાં આવી છે, અન્યથા કાર્યવાહીનો સામનો કરવો પડશે.
રેલવે બોર્ડે 11 નવેમ્બરે એક સત્તાવાર પત્ર જારી કર્યો છે. આ પત્રમાં જણાવાયું છે કે ખાદ્ય અને સાર્વજનિક વિતરણ વિભાગ દ્વારા દેશભરમાં વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનનો હેતુ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળ મળતા સસ્તા અનાજનો લાભ માત્ર ખરેખર જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવાનો છે. આ વેરિફિકેશન દરમિયાન દેશભરમાંથી 1,82,283 સેવારત રેલવે કર્મચારીઓના નામ શંકાસ્પદ રેશનકાર્ડ ધારકો તરીકે મળી આવ્યા છે.
રેલવે બોર્ડે પોતાના પત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે આ યાદીમાં સામેલ તમામ કર્મચારીઓના કિસ્સાની ગંભીરતાથી ચકાસણી થવી જોઈએ. વેરિફિકેશન બાદ જ સ્પષ્ટ થશે કે કયો કર્મચારી નિયમો મુજબ રેશનકાર્ડ રાખવા પાત્ર છે અને કોણે આ સુવિધા છોડવી પડશે. બોર્ડે કર્મચારીઓને અપીલ કરી છે કે જો તેઓ પાત્ર ન હોય તો કોઈપણ દંડ કે કાર્યવાહીથી બચવા માટે સ્વેચ્છાએ પોતાનું રેશનકાર્ડ સરેન્ડર કરી દે.
નિયમો મુજબ, NFSA હેઠળ દેશના ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને રાહત દરે અનાજ પૂરું પાડવામાં આવે છે. પરંતુ યોજનાના દુરુપયોગને રોકવા માટે સરકારે ચોક્કસ પાત્રતાની શરતો નક્કી કરી છે. કેન્દ્રના ખાદ્ય વિભાગ અનુસાર, આ શરતો લાગુ કરવામાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની મુખ્ય ભૂમિકા હોય છે. રેલવે બોર્ડે પણ પોતાના પત્રમાં આ વ્યવસ્થાનો ઉલ્લેખ કર્યો છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે મોટાભાગના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નોટિફાઈડ નિયમો મુજબ, કોઈપણ સરકારી વિભાગ, સાર્વજનિક ક્ષેત્રના ઉપક્રમો (PSU), સ્વાયત્ત સંસ્થાઓ અને સ્થાનિક સંસ્થાઓમાં નોકરી કરતા કર્મચારીઓને રેશનકાર્ડના લાભમાંથી બહાર રાખવામાં આવ્યા છે. એટલે કે સરકારી કર્મચારીઓ કાયદાકીય રીતે આ યોજનાનો લાભ મેળવવા પાત્ર નથી.
જોકે, એ નોંધવું જરૂરી છે કે હાલ જે 1.82 લાખ કર્મચારીઓની ઓળખ થઈ છે, તે માત્ર 'સંભવિત મેચ'ના આધારે છે. તેનો અર્થ એ નથી કે આ તમામ કર્મચારીઓ ગેરકાયદે રીતે અનાજ મેળવી રહ્યા છે. કારણ કે વિવિધ રાજ્યોમાં પાત્રતા અને બાકાત રાખવાની શરતો અલગ-અલગ હોઈ શકે છે. તેથી, અંતિમ નિર્ણય સંબંધિત કર્મચારીઓની વ્યક્તિગત ચકાસણી બાદ જ લેવામાં આવશે.