હવે રેલવે સ્ટેશનના કાઉન્ટર પરથી ટિકિટ લેતા મુસાફરોને પણ ટ્રેન દુર્ઘટનામાં વીમાની સુવિધા મળશે. સુપ્રીમ કોર્ટે ભારતીય રેલવેને આ સુવિધા ફરજિયાત કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટનો આ આદેશ 27 ઓક્ટોબર 2026થી અમલમાં આવશે.
જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે આ નિર્ણય સંભળાવ્યો હતો. અત્યાર સુધી આ વીમાનો વિકલ્પ માત્ર ઓનલાઇન ટિકિટ બુક કરાવનારા મુસાફરોને જ મળતો હતો. ઓફલાઇન ટિકિટ પર પણ આ સુવિધા ઓનલાઇન ટિકિટની જેમ વૈકલ્પિક રહેશે, એટલે કે મુસાફર પોતે ઇચ્છે તો વીમો લઈ શકશે.
જૂન 2023માં ઓડિશામાં થયેલી ટ્રેન દુર્ઘટના બાદ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. તેમાં માગ કરવામાં આવી હતી કે ટ્રેન દુર્ઘટના રોકતી સુરક્ષા પ્રણાલી શક્ય તેટલી વહેલી તકે તમામ ટ્રેનોમાં સ્થાપિત કરવામાં આવે અને દુર્ઘટનાની તપાસ માટે એક સમિતિ બનાવવામાં આવે.
મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોર્ટે મુસાફરોની સંપૂર્ણ સુરક્ષાના મુદ્દા પણ તેમાં સામેલ કર્યા છે. જેમાં સ્ટેશનો પર ફૂટ ઓવર બ્રિજ બનાવવા, રેલવે પાટાઓની આસપાસ જાળી લગાવવી અને બારીમાંથી ટિકિટ લેનારા મુસાફરોને વીમો ન મળવા જેવા મુદ્દાનો સમાવેશ થાય છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે સામાન્ય મુસાફરો મોટાભાગે સ્ટેશન કાઉન્ટર પરથી જ ટિકિટ લે છે. રેલવેને તેમના માટે વીમાની વ્યવસ્થા કરવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ કોઈ કામ થયું નથી. તેથી હવે 27 ઓક્ટોબર 2026થી સ્ટેશન કાઉન્ટરની દરેક ટિકિટ પર પણ ઓનલાઇનની જેમ વીમાનો વિકલ્પ આપવો ફરજિયાત કરવામાં આવ્યો છે. આ મામલે આગામી સુનાવણી 16 નવેમ્બર 2026ના રોજ થશે.
રેલવે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ અંગેના મહત્વના સવાલ-જવાબ
સવાલ: મુસાફરને કઈ સ્થિતિમાં કેટલું વીમા કવર મળશે?
જવાબ: ટ્રેન પાટા પરથી ઉતરી જવી, બે ટ્રેનોની ટક્કર, આતંકવાદી હુમલો કે અન્ય અપ્રિય ઘટનામાં મુસાફરનું મૃત્યુ, અંગ ગુમાવવું કે ગંભીર ઈજા થવા પર વીમાની રકમ મળશે. જો કોઈ મુસાફર આત્મહત્યાનો પ્રયાસ કરે, પોતાને નુકસાન પહોંચાડે અથવા માનસિક સંતુલન યોગ્ય ન હોવાને કારણે અકસ્માતનો ભોગ બને, તો કોઈ વળતર કે વીમા કવર મળશે નહીં. નુકસાન કેટલું મોટું છે તે મુજબ વીમાની રકમ નક્કી થાય છે. મૃત્યુ અથવા સંપૂર્ણપણે અપંગ થવા પર મહત્તમ ₹10 લાખ સુધી અને ઈજા થવા પર સારવારનો ખર્ચ મળે છે.
સવાલ: શું ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તમામ શ્રેણીના મુસાફરો માટે હોય છે?
જવાબ: આ ઇન્શ્યોરન્સ ફર્સ્ટ AC, સેકન્ડ AC, થર્ડ AC, સ્લીપર અથવા ચેર કારની કન્ફર્મ અને RAC (રિઝર્વેશન અગેન્સ્ટ કેન્સલેશન) ટિકિટ પર મળે છે. જ્યારે કાઉન્ટર પરથી ટિકિટ ખરીદવા પર આ સુવિધા મળતી નથી, જે હવે 27 ઓક્ટોબરથી મળશે. આ ઉપરાંત બાળકોની હાફ ટિકિટ પર વૈકલ્પિક ઇન્શ્યોરન્સ પોલિસીનો લાભ મળતો નથી. માત્ર ફુલ ટિકિટ પર જ આ પોલિસીનો લાભ લઈ શકાય છે.
સવાલ: રેલવે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ માટે ક્લેમ કેવી રીતે કરી શકાય?
જવાબ: ટ્રેન અકસ્માતના 4 મહિનાની અંદર ઇન્શ્યોરન્સ માટે ક્લેમ કરી શકાય છે. ઘાયલ વ્યક્તિ, નોમિની અથવા તેના વારસદાર ઇન્શ્યોરન્સ ક્લેમનો દાવો કરી શકે છે. આ માટે ઇન્શ્યોરન્સ કંપનીની ઓફિસમાં અરજી આપવી પડે છે અને સંબંધિત દસ્તાવેજો પણ જમા કરાવવા પડે છે.
સવાલ: શું રિઝર્વેશન વગરના લોકોને ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મળે છે?
જવાબ: ટ્રાવેલ ઇન્શ્યોરન્સની સુવિધા હાલમાં માત્ર રિઝર્વેશન ટિકિટ લેતા મુસાફરોને જ મળે છે. જો કોઈ અનરિઝર્વ્ડ મુસાફર અકસ્માતનો ભોગ બને છે, તો તે માત્ર સરકાર તરફથી આપવામાં આવતા વળતરનો જ હકદાર છે.
સવાલ: રેલવે ટ્રાવેલ ઇન્શ્યોરન્સની શરૂઆત ક્યારે થઈ હતી?
જવાબ: મુસાફરોની સુવિધા માટે રેલવે દ્વારા પેસેન્જર ઓપ્શનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સની શરૂઆત સપ્ટેમ્બર 2016માં કરવામાં આવી હતી. તે સમયે પ્રતિ મુસાફર વીમા પ્રીમિયમ 92 પૈસા હતું, જેની ચૂકવણી સરકાર પોતે કરતી હતી. પરંતુ ઓગસ્ટ 2018માં પ્રીમિયમ ઘટાડીને પ્રતિ મુસાફર 42 પૈસા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને ફરીથી 35 પૈસા કરી દેવામાં આવ્યું હતું. હવે તાજેતરમાં થયેલા ફેરફાર બાદ રેલવેએ તેને વધારીને 45 પૈસા કરી દીધું છે અને હવે ટિકિટ બુક કરાવતી વખતે આ રકમ મુસાફરોએ જ ચૂકવવી પડે છે.